શિનોર તાલુકાના નાના હબીપુરામાં આરોગ્ય તંત્રની બેદરકારી સામે પ્રશ્નાર્થ

શિનોર તાલુકાના નાના હબીપુરામાં આરોગ્ય તંત્રની બેદરકારી સામે પ્રશ્નાર્થ
ઘરે પ્રસુતિ બાદ 108 મારફતે પીએચસીમાં ખસેડવાની ઘટના
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સંસ્થાકીય પ્રસુતિને પ્રોત્સાહન આપવા તથા માતા–બાળકના આરોગ્યની સુરક્ષા માટે ગામેગામ વ્યાપક જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આશા વર્કર, આશા ફેસિલિટેટર, એફ.એચ.ડબલ્યુ. અને સુપરવાઇઝરો દ્વારા સગર્ભા મહિલાઓની નોંધણી કરી તેમને હોસ્પિટલમાં પ્રસુતિ માટે સતત માર્ગદર્શન આપવામાં આવે છે. ખેતરો, કુવા અને વાડી વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાઓ સુધી પણ આરોગ્ય કર્મીઓ પહોંચે છે છતાં શિનોર તાલુકાના નાના હબીપુરા ગામે આરોગ્ય તંત્રની બેદરકારી સામે ચિંતાજનક ઘટના સામે આવી છે. તારીખ 9 જાન્યુઆરી 2026ના રોજ ગામમાં રહેતી શ્રમજીવી મહિલા જીગીશાબેન વિક્રમભાઈ ભીલને વહેલી સવારે ઘરે જ પ્રસુતિ થઈ હતી. ત્યારબાદ ઘટનાને હોમ ડિલિવરી તરીકે નોંધાવવાની બદલે આરોગ્ય કર્મીઓએ 108 એમ્બ્યુલન્સ બોલાવી પ્રસુતિ થયા પછી તેમને સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
સરકાર દ્વારા સંસ્થાકીય પ્રસુતિ માટે તમામ સગવડો ઉપલબ્ધ કરાવાઈ હોવા છતાં આવી ઘટનાઓ આરોગ્ય તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આરોગ્ય કર્મીઓ દ્વારા જ સરકારની ઝુંબેશને જાણે અજાણે અવગણવામાં આવી રહી હોવાનો આ જીવંત દાખલો ગણાય છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા દ્વારા સીમડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે હવે આ ઘટનાની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.



