કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિષયો ઉપર સેમિનાર યોજાયા
કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિષયો ઉપર સેમિનાર યોજાયા
લાઈફ સ્કીલ, એન્ટરપ્રિનરશીપ, કરિયર ગાઈડન્સ, યુથ એજ્યુકેશન નોલેજ, યોગ ગરબા તેમજ કુંદન આર્ટ વિષે યુવાઓને માહિતગાર કરાયા
કાશ્મીરી યુવાનો એકતા અને દેશપ્રેમની ભાવના કેળવે, કટ્ટરપંથી પ્રવૃતિઓથી દૂર રહી પોતાનો સર્વાંગી વિકાસ સાધે એ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે વિવિધ સેમિનાર યોજી લાઈફ સ્કીલ, એન્ટરપ્રિનરશીપ, કરિયર ગાઈડન્સ, યુથ એજ્યુકેશન નોલેજ, યોગ ગરબા તેમજ કુંદન આર્ટ વિષે યુવાઓને માહિતગાર કરાયા હતા.
પ્રથમ સેશનમાં ડો. વિજયભાઈ રાદડીયાએ કાશ્મીરી યુવાઓને ઉદ્યોગ સાહસિકતા અને નવીન ઉદ્યોગોની નવી તકો તેમજ બીજા સેશનમાં શ્રીમતી મનીષા વ્યાસે યુથ એજ્યુકેશન અને નોલેજ, કારકિર્દીની ભાવિ તકો વિશે માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમના બીજા દિવસે વહેલી સવારે યોગ ગરબા યોજાયા હતા, જેમાં યુવાઓ ઉત્સાહભેર જોડાયા હતા. ત્રીજા સેશનમાં કરિયર કાઉન્સિલિંગ અને મોટીવેશનલ યુવા સંવાદમાં વિકસિત ભારત વિશે શ્રી દિપેશ શાહે માર્ગદર્શન આપ્યું હતું. શ્રીમતી ડિમ્પલ લોટવાલાએ ઇન્ડિયન આર્ટ કુંદન વર્ક માટે વર્કશોપ યોજી કાશ્મીરી યુવાઓને જાણકારી આપી હતી. વક્તાઓએ રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની શક્તિ અને તેમની સામાજિક જવાબદારીઓના મહત્વ પર ભાર મૂક્યો હતો યુવાઓને સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવા અને સક્રિય નાગરિક બનવા માટે પ્રેરિત કરાયા હતા. સંવાદ સત્રમાં કાશ્મીરી યુવાઓએ સ્વવિચાર,સ્વાનુભવો રજૂ કર્યા હતા.