Surat Diamond Bourse: ૪,૨૦૦ વેપારીઓએ સાથે મળીને વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો: ૧૭૫ દેશોના વેપારીઓ સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવા માટે આવશે

સુરતઃશુક્રવારઃ અગાઉ વિશ્વનું સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાનું પેન્ટાગોન હતું, જે ૬૫ લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે, પરંતુ હવે દુનિયાના સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન ગુજરાતના સુરતમાં ૬૭ લાખ ચોરસ ફૂટમાં નિર્માણ પામેલા ડાયમંડ બુર્સ બિલ્ડીંગે લઈ લીધું છે. એટલું જ નહીં, નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે, અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સવલતો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક-ચારણકા, અમદાવાદમાં સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહીં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે.