વેસ્ટ ઈન્ડિઝના ધૂરંધરો પર શ્રીલંકાના સ્પિનરો પડ્યા ભારે

વેસ્ટ ઈન્ડિઝના ધૂરંધરો પર શ્રીલંકાના સ્પિનરો પડ્યા ભારે
89 રનમાં ઓલઆઉટ કરીને વિશાળ જીત હાંસલ કરી
દાંબુલાઃ ઓગસ્ટમાં શ્રીલંકાના સ્પિન બોલરોએ ભારતના સ્ટાર બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. હવે વેસ્ટ ઈન્ડિઝની ટીમ શ્રીલંકાના પ્રવાસે છે. સિરીઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે જીત મેળવી હતી, પરંતુ બીજી મેચમાં શ્રીલંકાના સ્પિનરોનો જાદુ ફરી એકવાર જોવા મળ્યો હતો. 162 રન બનાવ્યા બાદ શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સને માત્ર 89 રન સુધી સીમિત કરી દીધી હતી. આ રીતે ટીમને 73 રનથી મોટી જીત મળી હતી.
આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કુસલ મેન્ડિસ સાથે પથુમ નિસાન્કાએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 77 રન જોડ્યા હતા. જોકે, વેસ્ટ ઈન્ડિઝે બંનેને મુક્તપણે રમવા દીધા ન હતા. મેન્ડિસ 25 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કુસલ પરેરા આવ્યો અને તેણે 16 બોલમાં 24 રન બનાવ્યા. આ દરમિયાન નિસાન્કાએ પોતાની ફિફ્ટી પૂરી કરી. તેણે 49 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી.
શ્રીલંકાના સ્પિન બોલરોએ શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના ટોપ-4 બેટ્સમેનો મળીને કુલ 16 રન બનાવી શક્યા હતા. 38ના સ્કોર સાથે અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. કેપ્ટન રોવમેન પોવેલે સૌથી વધુ 20 રન બનાવ્યા હતા. 10માં નંબરે આવેલા અલઝારી જોસેફે 16 રનની ઇનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝનો દાવ 17મી ઓવરમાં 89 રનમાં સમેટાઈ ગયો હતો.