સુરતના ડાયમંડ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાના હેતુથી ચેમ્બર દ્વારા ડાયમંડ ટાસ્ક ફોર્સની રચના કરાઇ

સુરતના ડાયમંડ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાના હેતુથી ચેમ્બર દ્વારા ડાયમંડ ટાસ્ક ફોર્સની રચના કરાઇ
ડાયમંડ ટાસ્ક ફોર્સના ચેરમેન તરીકે શ્રી દિનેશ નાવડિયાની નિમણૂંક, ડાયમંડ ટાસ્ક ફોર્સ થકી કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકાય તેના વિષે મિટીંગમાં ચર્ચા વિચારણા કરાઇ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સની જેમ હવે ડાયમંડ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ડાયમંડ ટાસ્ક ફોર્સના ચેરમેન તરીકે શ્રી દિનેશ નાવડીયાની નિમણૂંક કરવામાં આવી છે.
દરમ્યાન ડાયમંડ ટાસ્ક ફોર્સની પ્રથમ મિટીંગમાં ચેમ્બરના ઓફિસ બેરર્સ ઉપરાંત ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, સુરત ડાયમંડ એસોસીએશન, લેબગ્રોન ડાયમંડ એસોસીએશન, જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશન, સુરત ડાયમંડ બુર્સ, સુરત ડાયમંડ બ્રોકર એસોસીએશન, સુરત ડાયમંડ ટ્રેડર એસોસીએશન, ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસીએશન, વરાછા–કતારગામ જ્વેલર્સ એસોસીએશન (સુરત જ્વેલર્સ એસોસીએશન) અને સુરત જ્વેલરી એસોસીએશનના પ્રમુખો, ચેરમેનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં સુરતના ડાયમંડ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વિશ્વમાં કેવી રીતે વધુ મજબૂત બનાવી શકાય અને એના માટે ચેમ્બર ખાતે ડાયમંડ ટાસ્ક ફોર્સ કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકે તેના વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરતના ડાયમંડ એન્ડ જ્વેલરી ઉદ્યોગના વધુ વિકાસ માટે ચેમ્બરના ડાયમંડ ટાસ્ક ફોર્સ દ્વારા મુખ્યત્વે વેન્ડર ડેવલપમેન્ટ, ફોરેન ડેલીગેશન્સ તથા એકઝીબીશન્સ એન્ડ કોન્કલેવ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. ઇન્ડિયા જ્વેલરી શો કક્ષાના શો કરવામાં આવશે. સાથે જ વર્ષ દરમ્યાન બે ફેશન શો અને તેની સાથે એવોર્ડ શો પણ કરાશે. ડાયમંડ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ૧૦થી ૧ર સંયુકત કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
તેમણે વધુમાં કહયું હતું કે, સુરતના ડાયમંડ એન્ડ જ્વેલરી ઉદ્યોગના સર્વાંગી વિકાસ, ટેકનોલોજી અપગ્રેડેશન, આયાત–નિકાસની સુવિધાઓ, નવા બજારોનો વિસ્તાર અને આંતરરાષ્ટ્રીય માંગ વધારવા જેવા અગત્યના મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ડાયમંડ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ડાયમંડ ટાસ્ક ફોર્સના માધ્યમથી ગ્લોબલ લેવલ પર બાયર – સેલર મિટીંગોનું આયોજન કરવામાં આવશે અને એના માટે રોડ શો પણ કરવામાં આવશે. ડાયમંડ ટાસ્ક ફોર્સ સુરતના ડાયમંડ એન્ડ જ્વેલરી ઉદ્યોગને માત્ર રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈ આપશે અને સુરતને રિયલ ‘ગ્લોબલ હબ ઓફ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી’ તરીકે સ્થાપિત કરશે.
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ તેમજ ચેમ્બરની ડાયમંડ ટાસ્ક ફોર્સના ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ સુરતના ડાયમંડ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વિશ્વ સ્તરે લઇ જવા માટે વિવિધ સૂચનો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ડાયમંડ ટાસ્ક ફોર્સના માધ્યમથી દેશ–વિદેશના બજારમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે વધુ પડતી માંગ ઊભી કરવા, બ્રાન્ડિંગ અને માર્કેટીંગની નવી વ્યૂહરચનાઓ બનાવવામાં આવશે. સાથે સાથે સ્કીલ ડેવલપમેન્ટ, ઇનોવેશન અને સ્માર્ટ ઉત્પાદન માટે પણ માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવશે.
શ્રી પિન્ટુભાઇ ધોળકીયાએ જણાવ્યું હતું કે, ડાયમંડ ટાસ્ક ફોર્સના માધ્યમથી વિશ્વમાં મહત્વના માઇનીંગ લોકેશન પર ડાયમંડ ઉદ્યોગકારોના ડેલીગેશનને લઇ જઇ શકાય છે. તેમણે સ્કીલ ડેવલપમેન્ટ વિષે જણાવતા કહયું હતું કે, નવી ટેકનિકલ પ્રોસેસિંગ પદ્ધતિઓને ધ્યાનમાં લેતાં ડાયમંડ કટિંગ–પોલીશિંગ, ડિઝાઇનિંગ, જેમોલોજી અને ફિનિશિંગ જેવા વિવિધ સ્તરે યુવાઓને તાલીમ આપી શકાય છે. શોર્ટ ટર્મ કોર્સિસ અને વર્કશોપના આયોજન દ્વારા ડાયમંડ તથા જ્વેલરી ઉદ્યોગને વધુ સશક્ત બનાવવાની દિશામાં પ્રયાસ કરવા જરૂરી છે.
સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ શ્રી જગદીશ ખૂંટે જણાવ્યું હતું કે, ચેમ્બરના ડાયમંડ ટાસ્ક ફોર્સ થકી ડાયમંડની માંગ વૈશ્વિક સ્તરે વધે તે દિશામાં પ્રયાસ કરી શકાય છે.
લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ કોટડીયાએ જણાવ્યું હતું કે, સુરત જ્વેલરી ક્ષેત્રે સારામાં સારુ ઉત્પાદન કરે છે. ગ્લોબલ લેવલે જે વેસ્ટેજ પડે છે તે આશરે ૭થી ૮ ટકા હોય છે. સુરતમાં આ વેસ્ટેજ ઘણું ઓછું હોય છે, આથી સુરતની લેબગ્રોન ડાયમંડ સ્ટેટેડ સ્ટ્રેટેજીને વિશ્વભરમાં પ્રમોટ કરી શકાશે.
કન્સલ્ટન્ટ તરીકે શ્રી નિરવ જોગાણીએ જણાવ્યું હતું કે, ડાયમંડ ટાસ્ક ફોર્સના માધ્યમથી બ્રાન્ડ સુરતને ગ્લોબલી કક્ષાએ પ્રમોટ કરી શકાય તેમ છે. સાથે જ ડાયમંડ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાત્મક બનાવવા માટે સરકાર સમક્ષ વિવિધ મુદ્દાઓ જેમ કે આયાત–નિકાસ નીતિમાં સરળતા, જીએસટી સંબંધિત ટેકનિકલ મુશ્કેલીઓ, સ્કીલ ડેવલપમેન્ટ માટે ગ્રાન્ટ, ઈન્ફ્રાસ્ટ્રકચર સપોર્ટ, ટેકનોલોજી અપગ્રેડેશન અને નવા બજારો માટે પ્રોત્સાહન અંગે અસરકારક રજૂઆતો કરી શકાય છે.