નવા વર્ષ ૨૦૨૪ના નૂતન દિને સુરતના ઐતિહાસિક કિલ્લા ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો
રોગને પડકાર, સુર્ય નમસ્કાર અભિયાનઃ સુરત

સુરતઃસોમવાર: કેન્દ્ર સરકારના ‘ફિટ ઇન્ડિયા’ અને રાજ્ય સરકારના ‘સ્વસ્થ ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા તેમજ યોગાભ્યાસ થકી સ્વાસ્થ્ય જન જાગૃતિ માટે ‘સૂર્યનમસ્કાર મહાઅભિયાન’ અંતર્ગત સુરત શહેરના ચોકબજાર સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને નવા વર્ષ ૨૦૨૪ના પ્રથમ અને નૂતન દિને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સૂર્ય નમસ્કાર કરી સૂર્યદેવની ઉપાસના સહ વંદન કર્યા હતા. અહીં સૂરતવાસીઓએ સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષને આવકાર્યું હતું, અને સામૂહિક યોગ મહાઅભિયાનમાં જોડાઈ શહેરીજનોને સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કર્યા હતા.
નોંધનીય છે કે, યોગ અને સૂર્ય નમસ્કાર એ માનસિક અને શારીરિક ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્ય નમસ્કારનું આરોગ્ય વિષયક, વૈજ્ઞાનિક અને ધાર્મિક એમ ત્રિવિધ રીતે મહત્વ છે. સૂર્ય નમસ્કારમાં મોટાભાગના આસનોનો સમાવેશ થઇ જતો હોવાથી તેને પૂર્ણ યોગ પણ કહે છે.
સૂર્ય નમસ્કાર, જેને ‘ધ અલ્ટીમેટ આસન’ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પીઠ તેમજ સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર ઘટાડે છે. નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે જેથી ત્વચા માટે પણ ફળદાયી બની રહે છે. આ પ્રકારે સૂર્ય નમસ્કારના અનેક ફાયદાઓ છે.