ધરમપુરના જયંતિભાઇ પટેલે પત્નીની યાદોને જીવંત રાખવા નોકરીની તકો શોધતા યુવાનો માટે વાંચનાલય શરૂ કર્યું
સમાજ સેવા માટે એમ્બ્યુલન્સનો પ્રારંભ કર્યો

સુરત:ગુરુવાર:- જયંતિભાઇ ગમનભાઇ પટેલે પહેલે થી જ સમાજ સેવા સાથે જોડાયેલા હતા. જીઇબીમાંથી નિવૃત થયા અને શીતળ છાંયડોના નેજા હેઠળ ધરમપુર સિવિલ હોસ્પિટલમાં દર રવિવારે દર્દીઓને બિસ્કીટ અને ફળોનું વિતરણ કરતા. કોરોના કાળ દરિમયાન ધર્મપત્નિ હંસાબેનનું અવસાન થતાં જીવન અધુરૂ લાગવા માંડયું. તેઓ કહે છે કે, મેં નિશ્વય કર્યો કે, મારા સ્વ. ધર્મપત્નિને માનસ પટલ પર જીવંત રાખવી છે. હોસ્પિટલમાં ફળ-બિસ્કીટ વિતરણ કરી, પરત ફર્યો ત્યાં રસ્તામાં વાંચનાલય આવે છે. વિદ્યાર્થીઓ જગ્યા ન હોવાના કારણે બહાર બેસીને સરકારી નોકરી માટે તૈયારી કરતા હતા. એમને મદદરૂપ થવા મારા પોતાના ધરે જ વાંચનાલય શરૂ કરવાનો નિર્ધાર કર્યો. અને મારા સંકલ્પને સાકાર કર્યો.
યુવક-યુવતીઓને કારકિર્દી ઘડવા સ્પર્ધાત્મક તૈયારીઓ માટે “શીતળ છાંયડો” વાંચનાલય વર્ષ ૨૦૨૧ માં શરૂ કર્યું. ધરમપુર તાલુકો આદિવાસી વસતિ ધરાવતો તાલુકો છે. ગ્રામ્ય વિસ્તારના ગરીબ યુવાનો સરસ સુવિધા ઊભી કરી. વાંચનાલયમાં અભ્યાસ કરનારા માટે જરૂરિયાત મુજબ સ્પર્ધાત્મક પરિક્ષા માટે ૩૫ થી ૩૭ કેડરના જાહેર પરિક્ષાના અલગ અલગ પુસ્તકો, ઇન્ટરનેટ સુવિધા, કમ્પ્યુટર સહિતની અદ્યતન સુવિધા ઊભી કરી. દૂર વિસ્તારોમાંથી આવતા યુવાનો માટે ચા-નાસ્તો, રહેવા, જમવા સહિતની સુવિધા વિનામુલ્યે પુરી પાડી. યુવક-યુવતીઓ માટે વાંચનાલય આર્શીવાદરૂપ બન્યુ. રેન્બો વોરિયરના શંકરભાઇ પટેલ આ કામગીરીમાં સતત માર્ગદર્શક અને મદદરૂપ બન્યા.