ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે મિશન ૮૪ અંતર્ગત જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ અને સ્થાનિક બિઝનેસમેનો સાથે મિટીંગ કરી

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે મિશન ૮૪ અંતર્ગત જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ અને સ્થાનિક બિઝનેસમેનો સાથે મિટીંગ કરી
જમ્મુ ખાતે મળેલી મિટીંગમાં SGCCI તથા જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ સહિતના હોદ્દેદારો પરસ્પર બંને ચેમ્બર ઓફ કોમર્સના બિઝનેસમેન સભ્યોને લાભ અપાવવા તેઓની વચ્ચે કાયમ માટેના સંબંધો વિકસાવવા સહમત થયા
ચેમ્બર પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ મિશન ૮૪ અંતર્ગત જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોને તેમના બિઝનેસમેન સભ્યો સાથે સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ ઉદ્યોગ – ધંધાઓની મુલાકાત માટે સુરત આવવાનું આમંત્રણ આપ્યું, જેનો તેઓએ સહર્ષ સ્વીકાર કર્યો
*સુરતઃ* ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાની આગેવાનીમાં ચેમ્બર ઓફ કોમર્સના ઇલેકટ વાઇસ પ્રેસિડેન્ટ તેમજ માનદ્ મંત્રી શ્રી નિખિલ મદ્રાસી, માનદ્ ખજાનચી શ્રી કિરણ ઠુમ્મર, મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર શ્રી સંજય પંજાબી અને મિશન ૮૪ની કોર કમિટીના સભ્ય તેમજ ચેમ્બરની ઇન્ડસ્ટ્રીયલ ટુર કમિટીના ચેરમેન શ્રી અરવિંદ બાબાવાલા સાથેનું પ્રતિનિધિ મંડળ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરતના ઉદ્યોગકારો માટે બિઝનેસની વિવિધ તકો ઉપલબ્ધ થાય તે માટે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે.
દરમ્યાન મંગળવાર, તા. ૩૦ એપ્રિલ ર૦ર૪ના રોજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના પ્રતિનિધિ મંડળે જમ્મુ ખાતે જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લઇ તેઓના હોદ્દેદારો તથા તેમના બિઝનેસમેન સભ્યો સાથે મિટીંગ કરી હતી. આ મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળ ઉપરાંત જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અરૂણ ગુપ્તા, ઉપ પ્રમુખ શ્રી રાજીવ ગુપ્તા, સેક્રેટરી જનરલ શ્રી મનિષ ગુપ્તા, સેક્રેટરી શ્રી રાજેશ ગુપ્તા, ટ્રેઝરર શ્રી રાજેશ ગુપ્તા અને સ્થાનિક બિઝનેસમેનો ઉપસ્થિત રહયા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો અને બિઝનેસમેન સભ્યોને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત હાથ ધરવામાં આવેલા વિઝન અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને એના માટે ભારતના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ કરવા માટેનો ટારગેટ આપ્યો છે. વડાપ્રધાનશ્રીના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમજ ભારતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન ૮૪ અંતર્ગત સુરત, ગુજરાત અને ભારતથી વિશ્વના વિવિધ દેશોમાં રૂપિયા ૮૪,૦૦૦ કરોડનુ વધારાનું એક્ષ્પોર્ટ કરવાની દિશામાં સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે.
ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, જમ્મુ ખાતે ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધિ મંડળ અને જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો વચ્ચે થયેલી મિટીંગમાં વિવિધ પ્રોડકટ અને સર્વિસ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં ડેવલપ થયેલા ઉદ્યોગ – ધંધાઓ વિશે, જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સના બિઝનેસમેન સભ્યો વિશે તેમજ ત્યાં સ્થાનિક ધંધાઓનો ગ્રોથ કેટલો છે તે અંગે ચર્ચા થઇ હતી. જમ્મુ કાશ્મીરમાં ઉદ્યોગ – ધંધાઓ માટે પડતી મુશ્કેલીઓ તેમજ તેના નિરાકરણ માટે સરકારને કરવામાં આવતી રજૂઆતો વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તદુપરાંત જમ્મુમાં ડેવલપ થયેલા વિવિધ ઉદ્યોગ – ધંધાની વ્યવસ્થા અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
ચેમ્બર પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ મિશન ૮૪ અંતર્ગત જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોને તેમના બિઝનેસમેન સભ્યો સાથે સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ ઉદ્યોગ – ધંધાઓની મુલાકાત માટે સુરત આવવા આમંત્રણ આપ્યું હતું, જેનો તેઓએ સહર્ષ સ્વીકાર કર્યો હતો. એવી જ રીતે જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અરૂણ ગુપ્તાએ SGCCIના પ્રમુખની આગેવાનીમાં સુરતથી ઉદ્યોગકારોના બિઝનેસ ડેલીગેશનને જમ્મુ આવવા માટે અનુરોધ કર્યો હતો, આથી SGCCIના પ્રમુખની આગેવાનીમાં બીજું પ્રતિનિધિ મંડળ સુરતથી જમ્મુ મોકલવાની ચેમ્બર પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ તેઓને ખાત્રી આપી હતી.
આ મિટીંગમાં SGCCI તથા જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ સહિતના હોદ્દેદારો પરસ્પર બંને ચેમ્બર ઓફ કોમર્સના બિઝનેસમેન સભ્યોને લાભ અપાવવા તેઓની વચ્ચે કાયમ માટેના સંબંધો વિકસાવવા માટે સહમત થયા હતા. આ ઉપરાંત જમ્મુથી ઇન્ડસ્ટ્રી પાર્ટનરશિપ સુરત, ગુજરાતમાં થાય અને સુરતની ઇન્ડસ્ટ્રી પાર્ટનરશિપ જમ્મુ કાશ્મીરમાં થાય તેમજ ઉદ્યોગકારો પરસ્પર ધંધાઓમાં રોકાણ કરી શકે તે માટે બિઝનેસની તકો ઉભી કરવાના હેતુથી તેનો અભ્યાસ કરી એકબીજાના વ્યવસાયની સાથે તેઓને જોડવાની શકયતા તપાસવાની દિશામાં આગળ વધવા મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચેમ્બર પ્રમુખે વધુમાં કહયું હતું કે, જમ્મુ પણ બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું રાજ્ય છે, જ્યાં બિઝનેસ એલોટમેન્ટ માટે અઢળક શકયતાઓ રહેલી છે.
વધુમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ મિશન ૮૪ની વિગતો આપતા જણાવ્યું હતું કે, મિશન ૮૪ અંતર્ગત બનાવવામાં આવેલા ઓનલાઇન ઇન્ટરનેશનલ પોર્ટલની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો – વેપારીઓ અને એક્ષ્પોર્ટર્સને તથા વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મની સાથે ૧ર હજારથી વધુ બિઝનેસમેનો જોડાઇ ગયા છે. ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે.
આ ઉપરાંત મિશન ૮૪ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો થઇ રહી છે. જેના ભાગ રૂપે અત્યાર સુધીમાં ૪પથી વધુ દેશોના કોન્સુલ જનરલ, એમ્બેસેડર તથા ઓશિયલ્સ સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવ્યા હતા અને સુરતના ઉદ્યોગકારોને સાથે વન ટુ વન બિઝનેસ મિટીંગો કરી ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ માટેની તકો વિશે જાણકારી આપી હતી.