મહારાણા પ્રતાપ પ્રા. શા. ક્ર. 272 અને શિક્ષણ સંવર્ધન અભિયાનના સંયુક્ત ઉપક્રમે ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાયો

મહારાણા પ્રતાપ પ્રા. શા. ક્ર. 272 અને શિક્ષણ સંવર્ધન અભિયાનના સંયુક્ત ઉપક્રમે ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાયો
ગુજરાતભરની જે જે શાળાઓમાં ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાય, ત્યાં શ્રી લાલજીભાઈ પટેલ (ધર્મનંદન ડાયમંડ્સ)ના સૌજન્યથી સરદાર સાહેબનાં 11 પુસ્તકોનો સેટ શાળા પરિવારને ભેટ આપવામાં આવે છે.
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધ શતાબ્દીના ઉપક્રમે શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ દ્વારા ગુજરાત રાજ્યની 565 જેટલી શાળાઓમાં ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, તે અંતર્ગત આજે સરદાર સાહેબના નિર્વાણ દિને શબ્દપુષ્પાંજલિ અર્પણ કરવાના ભાવ સાથે મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. 272, નાના વરાછામાં શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મહારાણા પ્રતાપ પ્રા. શાળા અને શિક્ષણ સંવર્ધન અભિયાનના સંયુક્ત ઉપક્રમે ‘સરદાર વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદારનાં કાર્યોથી વિદ્યાર્થીઓ પરિચિત થાય તે માટે ‘સમન્વય જૂથ’ દ્વારા ‘સરદાર વંદના’ પુસ્તિકા તૈયાર કરી, તેની MCQ પરીક્ષા લેવામાં આવે છે. તેમાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગુજરાતભરની જે જે શાળાઓમાં ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાય ત્યાં શ્રી લાલજીભાઈ પટેલ (ધર્મનંદન ડાયમંડ્સ)ના સૌજન્યથી સરદાર સાહેબનાં 11 પુસ્તકોનો સેટ શાળા પરિવારને ભેટ આપવામાં આવે છે, જેનો સ્વીકાર શાળાના ઇ. આચાર્ય શ્રી હસમુખભાઈ ચૌહાણ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કર્યો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં શાળાના શિક્ષક શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “1857ના સ્વાતંત્ર્ય સંગ્રામથી આઝાદી પ્રાપ્તિ માટેની લડત શરૂ થઈ હતી; દેશની આઝાદીમાં લાખો દેશપ્રેમીઓનું યોગદાન રહ્યું છે, તે સૌને કોટિ કોટિ વંદન. 15મી ઑગસ્ટ, 1947ના રોજ દેશને આઝાદી મળી; પણ તે સાથે અંગ્રેજોએ રાજાઓને ત્રણ વિકલ્પો આપ્યા : (1) ભારત સંઘમાં જોડાવું, (2) પાકિસ્તાનમાં જોડાવું અને (3) સ્વતંત્ર રહેવું. તેને કારણે દેશ પર નવું સંકટ આવ્યું. આ કપરી પરિસ્થિતિમાં સરદારે અખંડ ભારતના નિર્માણ માટે રાત-દિવસ જોયા વિના ભારે જહેમત ઉઠાવીને દેશી રજવાડાંઓનું વિલીનીકરણ કર્યું. તેને પરિણામે આજનું ભારત આપણને પ્રાપ્ત થયું છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલાં પોતાનું રાજ્ય દેશની એકતા માટે અર્પણ કર્યું. હૈદરાબાદ, જૂનાગઢ, કાશ્મીર વગેરે રાજ્યોનાં વિલીનીકરણનો પ્રશ્ન વિકટ હતો; સરદાર ભારે કુનેહથી તેનું નિરાકરણ લાવ્યા હતા.”
વિદ્યાર્થીઓ ઇતિહાસમાં રસ લેતા થાય, વિચારતા થાય અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિત દેશના અનેક નેતાઓનાં કાર્યોથી પરિચિત થાય તેવા ભાવ સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી સહભાગી થયા હતા.



