ભીમરાડની ગંગાસ્વરૂપા મહિલા અને તેની ૪ વર્ષની દિકરીને સહાયરૂપ બનતી અભયમ મહિલા ટીમ

સુરત:સોમવાર: ગંગાસ્વરૂપા નેહાબેન(નામ બદલ્યું છે)ને સાસરામાંથી પોતાની રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ અને ડોક્યુમેન્ટસ આપવાની ના પાડતા અભયમ ટીમ નેહાબેનની મદદે પહોંચી હતી. ભીમરાડના અલથાણ વિસ્તાર ખાતે રહેતા નેહાબેન પતિના અવસાન બાદ નેહાબેન પોતાની ૪ વર્ષની દિકરી સાથે પિયરમા રહેતા હતાં. પોતાના રોજિંદા વપરાશનો સમાન તેમજ ડોક્યુમેન્ટસની સાસરી પક્ષમાંથી માંગણી કરતા તેમને ઘરમાંથી અપમાનિત કરી કાઢી મૂકવામાં આવ્યા હતા, ત્યારે તેમણે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા ઉમરા-અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી પુત્રવધૂ અને સાસરિયા પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું.
સામાજિક અને કાયદાકીય ફરજને આધિન અભયમ કાઉન્સેલરે સાસરી પક્ષને ગંગાસ્વરૂપા પુત્રવધૂને મદદ કરવા તેમજ દિકરીને તેના ભવિષ્યની જરૂરિયાત અને અભ્યાસ માટે પિતાનો મરણ દાખલો અને આધારકાર્ડ આપવા સમજાવ્યું હતું. પુત્રવધૂ માટે કાયદામાં રહેલી જોગવાઇઓ વિષે સમજાવી બંન્ને પક્ષકારોને પરસ્પર સમજણથી કામ લેવા જણાવ્યું હતું. તેમજ સાસરી પક્ષને પુત્રવધૂ અને દિકરીને સાથે રાખી યોગ્ય કાળજી લેવા અનુરોધ કરતા તેમણે પોતાની ભૂલ સ્વીકારી જરૂરી કપડા, ડોકયુમેનટસ અને અન્ય ઉપયોગી ચીજવસ્તુઓ આપવા સંમતિ આપી હતી.