અમદાવાદમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષ કેદની સજા, સાથે કોર્ટે 10,000નો દંડ પણ ફટકાર્યો

અમદાવાદમાં પ્યોર યુનિવર્સના માલિક તન્મય પુરોહિતને કોર્ટે ચેક રિટર્ન કેસમાં 1 વર્ષ કેદની સજા સંભળાવી છે, સાથે ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. વધુમાં કોર્ટે હુકમ કર્યો છે કે, જો આરોપી દંડની રકમ જમા ન કરાવે તો વધુ ૩ માસની સજા ભોગવવી પડશે.
આ કેસની વિગત એવી છે કે, અર્થ ડિઝાઇન એન્ડ ડેવલોપમેન્ટના માલિક તન્મય શિરીષભાઈ શેઠ જાહેરાત માટે ડિઝાઇન બનાવવાનું કામ કરે છે. પ્યોર યુનિવર્સના માલિક તન્મય પુરોહિતે ડિઝાઇન બનાવવાનું કામ આપ્યું હતું. કામ પૂર્ણ થયા બાદ આરોપી પાસેથી રૂ. 59,85,615 બાકી રકમ નીકળતી હતી. ફરિયાદીએ વારંવાર રજૂઆત કર્યા બાદ 8 ફેબ્રુઆરી 2022ના રોજ રૂ. 37,86,195નો ચેક આપ્યો હતો. જોકે, આ ચેક બેંકમાં ભરતા રિટર્ન થયો હતો. જે બાદ 15 ફેબ્રઆરી 2022ના દિવસે આરોપીએ બીજો રૂ.23,81,195નો ચેક આપ્યો હતો. જે પણ રિટર્ન જતા વકીલની મદદથી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ કરી હતી.
અમદાવાદ ( ગ્રામ્ય) મેજ. સાતમા અધિક સિનિયર અને અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં આરોપીને સાદી કેદની સજા તથા રૂપિયા 10,000નો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. તથા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ -૩૫૭ (૩) મુજબ વળતર તરીકે રૂપિયા 25,000 ચૂકવવાનો હુકમ કરેલ છે. જો આરોપી વળતરની રકમ ન ચૂકવે તો સીઆરપી કલમ-૪૨૧ મુજબ કાર્યવાહી કરી રકમ વસૂલ કરવામાં આવશે અને આરોપીએ દંડની રકમ રૂ. 10,000 જમા કરાવવા અને ન કરે તો વધારાની ૩ માસની કેદની સજા આરોપીએ ભોગવાની રહેશે.