મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
વિકસિત ભારત સંકલ્પ યાત્રા - સુરત જિલ્લો

દેશના ગામડાઓના વિકાસને આધારે જ દેશનો વિકાસ શક્ય છે:*ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર
સુરત:બુધવાર: ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની સંકલ્પના સાથે છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવાના હેતુસર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચ્યો હતો. ધારાસભ્ય ઈશ્વરભાઈ સહિત મહાનુભાવોએ રથનું સ્વાગત કરી વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, ૧૫ નવેમ્બરથી દેશભરમાં શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામેગામ જઈ લોકોને ૨૨ જેટલી યોજનાના લાભો ઘર આંગણે આપી રહી છે. ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણ માટે દેશના દરેક જરૂરિયાતમંદ સુધી વિકાસલક્ષી યોજનાઓના ૧૦૦ ટકા લાભ પહોંચાડવાના સઘન પ્રયત્નો સરાહના કરીને સરકારની યોજનાઓના વધુમાં વધુ લાભો લેવાનો અનુરોધ કર્યો હતો.
વધુમાં મહિલા સશક્તિકરણ, આરોગ્ય, ખેતી અને વીમા સહિતની વિવિધ યોજનાઓ વિષે માહિતી આપી હતી. માત્ર ૧.૫૦ રૂપિયા દિવસની બચતમાં સરકારની વીમા યોજના દ્વારા મળતા સુરક્ષા કવચ વિષે માહિતી આપી હતી. દેશના ગામડાઓના વિકાસને આધારે જ દેશનો વિકાસ શક્ય છે એમ જણાવી લોકોને વધુમાં વધુ યોજનાના લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. જેથી ગામ-તાલુકા-જિલ્લા અને રાજ્ય થકી સમગ્ર દેશ વિકસિત બની શકે.
આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના ચંદ્રકાંત ભાઈએ ખેડૂતોના હિતાર્થે અમલી બનાવેલી વિવિધ યોજનાઓની માહિતી આપી પાત્રતા ધરાવતા ખેડૂતોને તેનો લાભ લેવા જણાવ્યું હતું. સાથે તાર ફેંસિંગ યોજનાના લાભ લેવા જરૂરી દસ્તાવેજોની માહિતી આપી હતી. લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવી સૌ કોઈએ વિકસિત ભારત પર બનેલી વિડિયો ફિલ્મનું નિદર્શન કર્યું હતું.
આ પ્રસંગે પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઇ પટેલ, પલસાણા તાલુકાના સંગઠન મંત્રી ધર્મેન્દ્રસિંહ મેધાટ, તાલુકા પંચાયત સભ્યશ્રી હેમુબેન રાઠોડ, પલસાણા તાલુકા હેલ્થ ઓફિસર મધુકર ઇજામોરી, બગુમરાગામ પંચાયતના સરપંચશ્રી નિલાબેન પટેલ,ઉપસરપંચ આકાશભાઇ વાંસીયા,તાલાટી કમ મંત્રી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.