તાપી નદીની સપાટી ૬.૭૦ મીટરે પહોંચતા કોઝ-વે પાણીમાં ગરક
ઉકાઈમાં સતત નવા પાણીની આવક થતાં ડેમની સપાટી ૩૦૬.૧૧ ફૂટ
Surat Tapi Nadi News: સમગ્ર દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉકાઈ ડેમનાં ઉપરવાસમાં મહારાષ્ટÙની હદમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. તાપી નદીનાં હેઠવાસ તથા ઉપરવાસમાં વરસાદ પડતાં નદીનાં જળસ્તરમાં વધારો થયો છે તેમજ સતત વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પણ આજે નવા પાણીની આવક ૬૩૯૨ ક્યુસેક થતાં ડેમની સપાટી વધીને ૩૦૬.૧૧ ફૂટે પહોંચી છે. જ્યારે કોઝ-વે ખાતે તાપી નદીની સપાટી વધીને ૬.૭૦ મીટર પર પહોંચી ગઈ છે.
ઉકાઈ ડેમનાં સૂત્રોએ જણાવ્યા મુજબ ડેમનાં ઉપરવાસનાં વિવિધ ગેજ મથકોમાં વરસાદ પડતાં ડેમમાં આજે સવારે ૬૩૯૨ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી વધીને ૩૦૬.૧૧ ફૂટ નોંધાઈ છે અને ડેમમાંથી ૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આજ પ્રમાણે તાપી નદીનાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે ૧૦-૦૦ કલાકે તાપી નદીની સપાટી ૬.૭૦ મીટર નોંધાઈ છે. કોઝ-વેની ભયજનક સપાટી છ મીટર હોવાથી કોઝ-વે ઉપરથી તાપી નદીનું પાણી વહી રહ્યું છે.