શાળાઓમાંથી ઉઠ્યો લોકશાહીનો સંદેશ: વલસાડ જિલ્લામાં ૨૯૨ શાળાઓમાં ભવ્ય મતદાન જાગૃતિ અભિયાન

શાળાઓમાંથી ઉઠ્યો લોકશાહીનો સંદેશ: વલસાડ જિલ્લામાં ૨૯૨ શાળાઓમાં ભવ્ય મતદાન જાગૃતિ અભિયાન
વિદ્યાર્થીઓ બન્યા જાગૃતિના દૂત, “મારો મત – મારો અધિકાર” સંદેશ સાથે ઉત્સાહભેર કાર્યક્રમો યોજાયા

વલસાડ : વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન પ્રત્યે નાગરિકોમાં વ્યાપક જાગૃતિ ફેલાવવા વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી –વ- જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ સ્વીપ મેનેજમેન્ટના નોડલ અધિકારી –વ- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. રાજેશ્રી ટંડેલના નેતૃત્વમાં જિલ્લા તંત્ર તથા શિક્ષણ વિભાગ દ્વારા ભવ્ય અને સુવ્યવસ્થિત મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત આજે જિલ્લામાં કુલ ૨૯૨ શાળાઓમાં વિશાળ પ્રમાણમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. રંગોળી, નિબંધ, વકૃત્વ અને ચિત્ર સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી અંગે સશક્ત સંદેશ આપ્યો હતો. સમગ્ર જિલ્લામાં શાળાઓમાં ઉત્સવમય અને પ્રેરણાદાયી વાતાવરણ જોવા મળ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકરીશ્રી –વ- કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, “મતદાન એ માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે,” અને તમામ નાગરિકોને આવનારી ચૂંટણીમાં નિર્ભય અને નિષ્ઠાપૂર્વક મતદાન કરવાની અપીલ કરી હતી. સ્વીપ મેનેજમેન્ટના નોડલ અધિકારીશ્રી ડો. રાજેશ્રી એ. એલ. ટંડેલે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ મારફતે સમાજના દરેક વર્ગ સુધી મતદાનનો સંદેશ પહોંચાડવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ છે, જેમાં તમામ શાળાઓનો ઉત્સાહજનક સહભાગ જોવા મળી રહ્યો છે.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મતદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને “મતદાન કરવું એ આપણો અધિકાર જ નહીં પરંતુ ફરજ પણ છે” તે સંદેશ સાથે શપથ લેવડાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાના પરિવારજનો તથા આસપાસના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા તંત્ર દ્વારા આગામી દિવસોમાં બાઈક રેલીઓ તેમજ ગ્રામ્ય અને શાળા કક્ષાએ વિશાળ રેલીઓનું આયોજન કરવામાં આવશે, જેથી વધુમાં વધુ નાગરિકો સુધી મતદાનનો સંદેશ અસરકારક રીતે પહોંચે. જિલ્લા તંત્ર દ્વારા તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેઓ લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા આવનારી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરે અને “મારો મત – મારો અધિકાર”ના સંદેશને સાકાર બનાવે.



