કોબા દૂધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા આયોજિત પશુ મેળાની મુલાકાત મંત્રીશ્રીએ લીધી
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના કોબા દૂધ મંડળી ખાતે ૧૯.૧૪ લાખના ખર્ચે ૪૦ કિલોવોટના રૂફટોપ સોલાર પાવર સિસ્ટમનું લોકાર્પણ
૪૦ કિલોવોટના ‘સોલાર રૂફ ટોપ’ પ્લાન્ટથી મંડળીનો ૩૦-૩૫ હજારનો ખર્ચે હવે ઝીરો થઈ જશે: વન અને પર્યાવરણ મંત્રી
સુરત:શનિવાર: ઓલપાડ તાલુકાના કોબા દૂધ ઉત્પાદન સહકારી મંડળી ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૧૯.૧૪ લાખના ૪૦ વોલ્ટના રૂફટોપ સોલાર પાવર સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુમુલ ડેરીના સહયોગથી અને સુરત ડિસ્ટ્રીક્ટ કો. બેન્કમાંથી ઝીરો ટકા વ્યાજે ધિરાણની યોજનામાં આ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, સમુલ ડેરી દ્વારા ૪૦ કિલોવોટના ‘સોલાર રૂફ ટોપ’ વીજળી પ્લાન્ટથી આવનાર સમયમાં વીજળી સાથે મૂડીની પણ બચત થશે, વીજળીનું બિલ જે ૩૦ થી ૩૫ હજાર આવતું તે હવે ઝીરો થઈ જશે. વિજળીનો વપરાશ નહિવત થઈ જશે જેનો સીધો આર્થિક ફાયદો મંડળીને થશે.‘સરકાર અને સહકાર’ના સમન્વયથી ગ્રામીણ નાગરિકોનું જીવન-ધોરણ સુધર્યું છે. રાજ્યમાં થતા કુલ વીજળીના ઉપયોગના ૫૦ ટકા વીજળી રિન્યુએબલ એનર્જી અંતર્ગત સૌર ઉર્જાથી ઉત્પન્ન કરવાનું સરકારનું લક્ષ્ય છે. સૌર ઉર્જાને પ્રોત્સાહન આપતા અનેકવિધ પ્રોજેકટ્સ કાર્યરત છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, કોબા ગામે મંડળી દ્વારા આયોજિત પશુ મેળામાં પશુપાલકો પશુની જાતે પરખ કરી તેની કિંમત આંકી શકે છે. ઓછી જમીન ધરાવતા ખેડૂતો પશુપાલન કરીને ઉત્તમ આવક મેળવીને પરિવારનું ગુજરાન ચલાવી શકે છે. આ માટે રાજ્ય સરકારની અનેકવિધ પશુપાલન યોજનાઓ પણ આશીર્વાદરૂપ બનશે. આ મેળા આજે ૧૧૩ જેટલા પશુ ખરીદી માટે નોંધણી થઈ છે, જે સરાહનીય છે.
સુમુલુના ડિરેક્ટર જયેશભાઇ પટેલે જણાવ્યું કે, સુમુલ દ્વારા અનોખી પહેલ કરતા દૂધ મંડળીઓનું વીજળી બિલ શૂન્ય આવે એ દિશામાં આગળ વધી રૂફટોપ સોલાર પાવર સિસ્ટમ લગાવી સુમુલ થકી બેન્કની વિના વ્યાજે નાણાં ધિરાણની યોજના અમલી કરવામાં આવી છે. મંડળીઓમાં બી.સી.યું. અને અન્ય સાધનો મળી ૩૫ હજાર સુધી આવે છે જે સુરત અને તાપી જિલ્લામાં મળી વર્ષે ૨૦ થી ૨૨ કરોડ રૂપિયા વીજળીનું બિલ આવે છે, તે શૂન્ય થાય તે દિશામાં રૂફટોપ અભિયાન હાથ ધર્યું છે. જેમાં ૧૦૦ જેટલી મંડળીઓને જોડવાના લક્ષ્યાંક પૈકી ૭૦ જેટલી મંડળીઓનું કામ પૂર્ણ થવાને આરે છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય જશુબેન, કોબા મંડળી પ્રમુખ જયંતિભાઈ પટેલ, ઓલપાડ કોટન મંડળીના પ્રમુખ મનહરભાઈ, અગ્રણીઓ સર્વશ્રી બળવંતભાઈ, સુનિલભાઈ, વસંતભાઈ સહિત મંડળીના પ્રમુખો, સભાસદો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.