યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સુરતના ક્ષેત્ર પ્રમુખ શ્રીમતિ શ્વેતા સાવે સહિત ૧૧૧થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ અંગદાનના સંકલ્પ પત્ર ભરી ઉમદા ઉદાહરણ પૂરું પાડયું.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સુરતના ક્ષેત્ર પ્રમુખ શ્રીમતિ શ્વેતા સાવે સહિત ૧૧૧થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ અંગદાનના સંકલ્પ પત્ર ભરી ઉમદા ઉદાહરણ પૂરું પાડયું.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ક્ષેત્રીય કાર્યાલય સુરત દ્વારા તા. ૨૪ અને ૨૫ ઓક્ટોબરના રોજ ક્ષેત્રીય કાર્યાલય ખાતે વિઝીલન્સ અવેરનેસ વીક-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલાને વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. નીલેશ માંડલેવાલાએ બ્રેઇનડેડ એટલે શું? કયા કયા અંગોનું દાન થઈ શકે? અંગદાન કોણ કરી શકે? અંગદાન શા માટે જરૂરી છે? વગેરે બાબતોની વિસ્તૃત માહિતી ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને આપી, અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, દેશમાં દર વર્ષે લાખો વ્યક્તિઓ સમયસર અંગ ન મળવાને કારણે મૃત્યુ પામે છે. તેમણે જણાવ્યું હતું કે, તમારા સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી પરંતુ પૃથ્વી પર જરૂરિયાતમંદ વ્યક્તિઓને ચોક્કસ જરૂરીયાત છે.
નિલેશ માંડલેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને વર્ષ ર૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની પરિકલ્પના રજૂ કરી છે ત્યારે વર્ષ ર૦૪૭માં જ્યારે આપણો દેશ આઝાદીના શતાબ્દી વર્ષની ઉજવણી કરશે ત્યારે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે નહીં થશે એ ડોનેટ લાઈફનું મિશન છે. તેઓએ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને અંગદાનનો સંકલ્પ લેવા વિનમ્ર અનુરોધ કર્યો હતો.
આ સેમીનારમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ક્ષેત્રીય કાર્યાલય સુરતના ક્ષેત્ર પ્રમુખ શ્રીમતિ શ્વેતા સાવેએ અંગદાનનો સંકલ્પ પત્ર ભરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું, ત્યારબાદ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ૧૦૬માં સ્થાપના દિવસે ૧૧૧થી વધુ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ અંગદાનનો સંકલ્પ પત્ર ભરી દેશમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અંગદાનનો સંકલ્પ લેનાર તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયનું અંગદાન સંકલ્પ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ક્ષેત્રીય કાર્યાલય સુરતના ક્ષેત્ર પ્રમુખ શ્રીમતિ શ્વેતા સાવેએ ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા અંગદાનના ક્ષેત્રમાં થઈ રહેલા ઉમદા કાર્યને બિરદાવી અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.
એક અંગદાતા આઠથી નવ વ્યક્તિઓને નવજીવન આપી શકે છે. અંગદાનનો સંકલ્પ લેવા માટે ૯૦૮૧૮૧ર૦૪૭ નંબર પર મીસ્ડકોલ કરો.
નોંધનીય છે કે, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા ૧૨૬૪ અંગો અને ટીશ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે, જેને કારણે દેશ અને વિદેશના કુલ ૧૧૬૨ વ્યકિતઓને નવજીવન મળ્યું છે.