સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝગામના રિક્ષાચાલક ભૂપેન્દ્રભાઈ સુરતી માટે થ્રી વ્હીલર રિક્ષા લોન યોજના બની આશીર્વાદરૂપ
સરકારની યોજનાએ મારા જેવા અનેક નાના માણસોને નવી નક્કોર રિક્ષાના માલિક બનાવ્યા: ભૂપેન્દ્રભાઈ સુરતી
Surat Wanzgam News: અનુસૂચિત જાતિના બાંધવોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે, તેઓ આગળ વધી આત્મનિર્ભર બની શકે તેના માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. અનુસૂચિત જાતિ વિકાસ નિગમની થ્રી વ્હીલર લોન યોજના સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝગામના ૪૭ વર્ષીય રિક્ષાચાલક ભૂપેન્દ્રભાઈ સુરતી અને તેમના પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે. ઓછા વ્યાજદરે રૂ.૨.૫૦ લાખની લોન મળતાં પોતાના માલિકીની થ્રી વ્હીલર રિક્ષા ખરીદવાનું સ્વપ્ન સાકાર થયુ હતું. જેથી તેમના અને પરિવારજનોના ચહેરા પર ખુશાલી સમાતી ન હતી.
સરકારની સહાયથી માલિકીની રિક્ષા ખરીદી કરી ભાડાની રિક્ષા ચલાવવામાંથી કાયમી મુક્તિ મળી છે એમ જણાવતા ભૂપેન્દ્રભાઈ મગનભાઈ સુરતી સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. તેઓ જણાવે છે કે, ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ધો.૧૦ સુધી અભ્યાસ કરી પરિવાર સાથે ખેતમજૂરીમાં જોડાયો હતો. ત્યારબાદ થોડા સમયમાં જ ગામના મિત્રોના સાથ સહકાર મળતાં રિક્ષા ડ્રાઈવિંગ શીખવાની શરૂઆત કરી. સમય જતા ભાડાની રિક્ષા(બચત પર રિક્ષા) ચલાવવાની શરૂઆત કરી. એક દિવસની કમાણીમાંથી પ્રત્યેક દિવસે રૂ.૧૫૦ રિક્ષામાલિકને ભાડા પેટે આપવાની રહેતી હતી. જેથી આખો દિવસ રિક્ષા ચલાવવા વધુ મહેનત કરવી પડતી હતી. માલિકીની રિક્ષા હોય તો આવકની બચત કરી શકાય એવું પણ વિચાર્યું. થોડા સમયમાં જમાપુંજી બચાવી સેકન્ડહેન્ડ રિક્ષાની ખરીદી કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે, સેકન્ડહેન્ડ રિક્ષા પાંચ-છ વર્ષ સુધી ચલાવ્યા બાદ ફરી ભાડાની રિક્ષા ચલાવવાની નોબત આવી ગઈ હતી. પરિવારનું ગુજરાન ચલવવાની સાથે બે દિકરીઓ અભ્યાસ કરતી હોવાથી બચત થઇ શકતી ન હતી અને તમામ આવક ઘરખર્ચમાં દીકરીઓના અભ્યાસમાં ખર્ચાઈ જતી. જેથી નવી રિક્ષા કઈ રીતે લેવી એની ગડમથલ રહેતી. એવામાં સવારે વર્તમાનપત્રમાં અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા ચાલતી થ્રી વ્હીલર રિક્ષા લોન યોજનાની જાહેરાત વાંચી હતી. તરત જ સુરત શહેરની અનુસૂચિત જાતિ વિકાસ નિગમ કચેરીનો સંપર્ક કરતા ઓનલાઈન અરજી કરવાનું જણાવાયું. જેથી ઓનલાઈન અરજી કરી ડોક્યુમેન્ટ જમા કરાવતાં ટુંક જ સમયમાં લોન પાસ કરી આપવામાં આવી અને નવી નક્કોર રિક્ષાનો માલિક બન્યો.
તેઓ કહે છે કે, અનુસુચિત જાતિ વિકાસ નિગમ દ્વારા વાર્ષિક ૩ ટકાના દરે રૂ. ૨.૫૦ લાખની લોન મળતાં નવી થ્રી વ્હિલર રિક્ષા ખરીદી કરવા સપનું સાકાર થયું હતું. સરકારની આ યોજના થકી મારા જેવા અનેક નાના માણસો નવી રિક્ષાના માલિક બન્યા છે. રિક્ષાની ખરીદી પર મળેલી લોનમાં સરકાર દ્વારા રૂ.૫૦ હજાર સબસિડી પણ પ્રાપ્ત થઈ છે. ઉપરાંત ફી-શિપ કાર્ડ યોજના થકી મોટી દિકરી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી છે. જેથી રાજ્ય સરકાર -અનુસુચિત જાતિ વિકાસ નિગમનો હું હંમેશા ઋણી રહીશ એમ તેમણે કહ્યું હતું.