કામરેજ તાલુકાના ઉંભેળ અને ખોલવડગામ ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયું

સુરતઃશુક્રવારઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૧૭મી ડિસેમ્બરના રોજ સુરત શહેરની મુલાકાતે આવી રહ્યાં છે, જેના ભાગરૂપે કામરેજ તાલુકાના ઉંભેળ અને ખોલવડગામ ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.ત્યારે સુરત જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવાએ બંને સ્થળની મુલાકાત લઇ સ્વચ્છતાની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતુ.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે. વસાવાએ જણાવ્યું કે, ૧૭મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પ્રસંગે સુરત શહેરની મુલાકાત લઇ રહ્યાં છે, જેના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસથી કામરેજ તાલુકાના ઉંભેળ અને ખોલવડ ગામ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન થકી સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.બંને ગામને કચરામુક્ત બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.સ્વચ્છતા હી સેવા અભિયાનના પ્રથમ તબક્કામાં ૯.૫૦ લાખ લોકોએ ભાગ લઇ સ્વચ્છતા અભિયાનને વેગવતું બનાવ્યું છે.હાલ બીજા તબક્કામાં પણ વધુ ને વધુ લોકો જોડાઇ સ્વચ્છતા અભિયાનને આગળ વધારી રહ્યાં છે.
વધુમાં તેમણે જણાવ્યું કે,હવે પંચાયત અધિનિયમ હેઠળ ગંદકી કરનારા માટે દંડની જોગવાઇ પણ કરવામાં આવશે. વિવિધ સ્થળો પર દંડની જોગવાઇના બેનરો લગાડી પ્રજાજનોને સ્વચ્છતાને લઇ જાગૃત કરવામાં આવશે.તેમજ જે સ્થળો પર ગંદકીઓ સતત થાય છે એવા સ્થળો પર સી.સી.ટી કેમેરો લગાડી ગંદકી કરનારાને દંડ ભરાવવામાં આવશે. વડાપ્રધાનશ્રી આપેલા સુત્ર ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા, ને ધ્યાનમાં રાખી સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી
આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ,કામરેજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રેખાબેન પટેલ,શાસક પક્ષના નેતાશ્રી રમેશભાઇ શીંગાળા,તાલુકા વિકાસ અધિકારીશ્રી સચિન પટેલ,સ્વચ્છ ભારત મિશન(ગ્રા) સ્ટાફ, ઉંભેળ ગ્રામપંચાયતના તલાટીશ્રી યોગેશભાઇ ચૌધરી,ખોલવડ ગ્રામપંચાયતના તલાટીશ્રી નીતેશ ડાંગર, ઉંભેળ અને ખોલવડ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.