સિવિલ હોસ્પિટલમાં જન્મ દિવસની દર્દીઓ સાથે અનોખી ઉજવણી
ટી.બી.નાબુદ થાય અને ટી.બી.ના દર્દીઓ સ્વસ્થ થાય એજ ખરા અર્થમાં મારા જન્મ દિવસની ઉજવણીઃ ડો.પારૂલ વડગામા

ટીબીના દર્દીઓને પૌષ્ટિક અનાજ કિટ્સનું વિતરણ કરાયુ
National News: આજના આધુનિક યુગમાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણી હોટેલ, રેસ્ટોરન્ટ કે ફાર્મ હાઉસમાં કરતા હોય છે તેવા સમયે સેવાકીય પ્રવૃતિ થકી ‘જન સેવા એ જ પ્રભુ સેવા ’ની ભારતીય સંસ્કૃતિની ઉમદા ભાવના સાથે વીર નર્મદ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ મેમ્બર અને IMAના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ડો.પારૂલ (Dr. Parul) વડગામાએ પોતાના ૪૩માં જન્મદિવસની સિવિલના ટીબીના દર્દીઓ અને વિવિધ સંસ્થાઓમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી કરી હતી.
આજે સિવિલમાં દાખલ ટીબીના તમામ દર્દીઓને ખજૂર,મગ, ઘઉં, સોયાબીન, ગોળ સાથેની એક મહિનો ચાલે તેટલી કિટ્સનું તમામ દર્દીઓને વિતરણ કરાયું હતું. ડો.પારૂલ વડગામા (Dr. Parul Vadgama) ટીબી વિભાગના વડા હોય અને કોરોનાના કપરાકાળ સમયે ચેસ્ટ ફિઝીશ્યનનું અનેરુ મહત્વ હતું ત્યારે દિનરાત ઓપીડી નોડલ ઓફિસર તરીકે કોરોના દર્દીઓની સારવાર-સુષુશા કરી હતી. જે બદલ તેઓને અનેક સન્માનો પણ પ્રાપ્ત થયા હતા. દરિદ્રનારાયણની સેવા એજ પોતાનું કર્તવ્યના ધ્યેય સાથે સિવિલમાં ટીબી વિભાગને અધતન બનાવવામાં તેમનું અનેરુ યોગદાન રહેલું છે.
આ અવસરે મેડિકલ કોલેજના ડીન ડો.રાગીણી વર્મા, તબીબી અધિક્ષક ડો.ધારીત્રી પરમાર, એડી.ડીન ડો. નિમેષ વર્મા (Dr. Nimesh Verma), RMO ડો. કેતન નાયક (Dr. Ketan Nayak) ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, ટીબી વિભાગના રેશિડેન્સ તબીબો, નર્સિગ એસોસિયેશના સંજય પરમાર અને બિપિન મેકવાન સહિત નર્સિગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખરા અર્થમાં તબીબ અને દર્દીઓમાં દેવદર્શન થયા હતા.
નોંધનીય છે કે, પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને ખરા અર્થમાં સાકારિત કરવા માટે સામાજિક સંસ્થાઓ, એનજીઓ, તબીબો દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટીબી નાબૂદી માટે સરકારી હોસ્પિટલમાં અધતન સાધનો, દવાઓ સાથેની વિનામૂલ્યે સારવાર સહિત યોજનાના કારણે ભારત ટીબી મુકત તરફ પ્રયાણ કરી રહ્યું છે.