સ્પોર્ટ્સ

આજથી ક્રિકેટ વિશ્વકપનો પ્રારંભ : પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે

આજથી ક્રિકેટ વિશ્વકપનો પ્રારંભ : પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે
૧૨ વર્ષ બાદ ભારતમાં ફરી વિશ્ર્વકપઃ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ પાંચ વખત વિશ્વ ચેમ્પિયન
વિશ્વકપ ૧૨ વર્ષ પછી ભારતમાં આયોજીત થઇ રહ્યો છે. આ પ્રકારની સ્પર્ધામાં જયાં બધી ૧૦ ટીમો એક બીજાથી ટકરાય છે, તો ઉલટફેરની શકયતા વધી જાય છે. આ વખતે ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો જીત માટે એડીચોટીનું જોર લગાવશે. એમાં બેમત નથી. ઇંગ્લેન્ડની ટીમ ૨૦૧૯નું પુનરાવર્તન કરવા ચાહે છે, તો ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વિશ્વ કપ જીતવા કટીબધ્ધ છે. ભારતીય ટીમે તાજેતરમાં એશિયા કપ અને ઓસિઝ સામેનો વન-ડે જંગ જીત્યો છે ત્યારે ખેલાડીઓ પુરા જોશમાં છે.
ઇંગ્લેન્ડની બેટિંગ લાઇન અપની સારી એવી છે. ટીમ માટે જોસ બટલર એક સફળ નેતૃત્વ કરનાર સફળ બેટધર પણ છે. ઓસ્ટ્રેલિયા ટીમ પાસે સારા એવા ખેલાડીઓ છે, જેમણે આઇપીએલ રમી છે, પરિણામ ભારતના વાતાવરણથી કાફી વાકેફ છે તેમાંય તેનો સ્ટાર ઓલ રાઉન્ડર ગ્લેન મેકસવેલ ખુબ જ અનુભવી ખેલાડી છે. ઓસિઝને વિજય અપાવવા તે પૂરેપૂરો સક્ષમ છે જયારે ન્યુઝીલેન્ડ સતત પ્રશંસનીય દેખાવ કરી રહી છે. કેન વિલીયમસન ઉપરાંત તે ટીમ પાસે કોનવે જેવો શ્રેષ્ઠ ખેલાડી છે.
પાકિસ્તાનની ટીમ બેલેન્સ્ડ ટીમ છે. તે ટીમનો સુકાની બાબર શ્રેષ્ઠ વન-ડેનો બેટધર છે. ગોલંદાજી તો શ્રેષ્ઠ છે જ આ વખતનો વિશ્વકપ ખરા અર્થમાં ખુબ જ રોમાંચક અને દિલધડક બની જશે. તેમાંય પાંચ વિશ્વકપ જીતનાર ટીમનો હાલનો સુકાની પેટ કમિન્સ હોય કે પ્રથમ વખત ભારતનું વિશ્વ કપમાં નેતૃત્વ કરનાર રોહિત શર્મા હોય, અલબત ગત ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ પણ મકકમ ટકકર માટે તૈયાર છે, તો પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ અપસેટ સર્જવા માટે કટીબધ્ધ છે.
ન્યુઝીલેન્ડ, દ.આફ્રિકા જેવી ટીમોએ વિશ્વકપ જીત્યા નથી પરંતુ ૨૦૧૯માં કમનસીબ રીતે ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ સામે ફાઇનલમાં હાર્યુ હતું. પરંતુ આ વખતે કિવીઝ માટે માર્ગ સરળ તો નહીં જ હોય છતાં સ્પર્ધા જબરદસ્ત બની જશે. વિશ્વકપમાં નોંધાયેલા અમુક કિર્તીમાનો તરફ નજર દોડાવીએ તો વેસ્ટ ઇન્ડીઝના સ્ફોટક બેટધર ક્રિસગેઇલ છગ્ગા ફટકારવા માટે જાણીતો છે. એક જ વિશ્વકપમાં તેણે ર૬ છગ્ગાઓ ૨૦૧૫ના વિશ્વકપમાં નોંધાવ્યા હતા. છ દાવમાં કુલ ૨૬ છગ્ગા એ કોઇ વિશ્વકપના એક જ સત્રમાં સર્વાધિક છગ્ગા ફટકારવાનો વિક્રમ પણ તેના નામે જ છે.
ત્યારબાદ ઇંગ્લેન્ડનો પૂર્વ સુકાની ઇયોન મોર્ગન છે. જેણે ૨૦૧૯ વિશ્વકપની ૧૦ ઇનિંગ્ઝોમાં ૨૨ છગ્ગા ફટકાર્યા હતા એડીબી વિલિયર્સે ૨૦૧૫માં આઠ દાવમાં ૨૧ છગ્ગા ફટકારેલા વન-ડે વિશ્વ કપમાં સૌથી વધુ છગ્ગા નોંધાવનાર ક્રિસ ગેઇલ છે, તેણે ૩૫ મેચોમાં ૪૯ છગ્ગા ફટકાર્યા છે.
મોહમ્મદ શામીના નામે ‘હેટ્રીક’ નોંધાયેલી છે. શામી ચેતન શર્મા પછી બીજો ભારતીય ગોલંદાજ છે, જેણે વિશ્વ કપમાં ‘હેટ્રીક’ ઝડપી છે. સામીએ ૨૦૧૯નાં વિશ્વકપમાં અફઘાનિસ્તાન વિરૂધ્ધ ગ્રુપ સ્ટેજમાં આ સિધ્ધિ નોંધાવી હતી અને તે વિશ્વનાં એવા ખ્યાતનામ ગોલંદાજોની યાદીમાં સમાવિષ્ટ થયો જેમણે આ વિશ્વકપ સ્પર્ધામાં ‘હેટ્રીક’ઝડપી હોય.
જયારે કુમાર સાંગાકારાએ વિકેટ પાછળ સર્વાધિક શિકાર ઝડપ્યા છે, તેણે ૩૭ મેચોમાં ૪૧ કેચો, ૧૩ સ્ટમ્પીંગ સાથે કુલ ૫૪ શિકાર કર્યા છે. જે એક વિક્રમ છે. ભારતના ચેતન શર્માએ વન-ડે વિશ્વકપમાં સૌપ્રથમ ‘હેટ્રીક’ ઝડપી છે, તેણે ૧૯૮૭માં ન્યુઝીલેન્ડ સામે આ સિધ્ધિ નોંધાવી હતી. અત્યાર સુધી બે વખત ‘હેટ્રીક’ ઝડપવાના વિક્રમ લસિથ માલિંગા ધરાવે છે, તેણે ૨૦૦૭ અને ૨૦૧૧નાં વિશ્વકપ દરમ્યાન ‘હેટ્રીક’ ઝડપી હતી. ૨૦૦૭માં દ.આફ્રિકા સામે અને ૨૦૧૧માં કેન્યા સામે માલિંગા એ ‘હેટ્રીક’ ઝડપી હતી. આજ સુધી ૧ર વિશ્વકપમાં કુલ ૧૧ ‘હેટ્રીક’ નોંધાઇ છે. જેમાં ૧૦ ગોલંદાજોનો સમાવેશ થાય છે. ૨૦૦૩ અને ૨૦૧૧ તથા ૨૦૧પમાં બબ્બે હેટ્રીક નોંધાઇ હતી.
વન-ડે વિશ્વકપમાં સૌથી વધુ સદીઓ નોંધાવનાર ખેલાડી રોહિત શર્મા છે તેણે કુલ ૬ વખત સદીઓ નોંધાવી છે. જયારે સચીને પણ ૬ સદીઓ ફટકારી છે પરંતુ આ વખતે સચીનને રોહિત ઓવરટેક કરી જવાની પુરેપુરી સંભાવના છે. નોકઆઉટ ગ્રુપને છોડી દેવાય તો ભારતને ગ્રુપ સ્ટેજમાં જ ૯ મેચો રમવાની છે અને તેમાંથી જો એક મેચમાં જ રોહિત સદી નોંધાવવા સફળ રહેશે તો તે સદીની બાબતે બધાથી આગળ નીકળી જશે. વોર્નરે ચાર સદીઓ નોંધાવી છે.
જયારે વિશ્વકપમાં સૌથી ઝડપી સદી નોંધાવવાનો વિક્રમ આયરલેન્ડનાં કેવિન-ઓ-બ્રાયનના નામે છે. તેણે ૨૦૧૧માં ઇંગ્લેન્ડ સામે પ૦ દડામાં સદી નોંધાવી હતી. ૨૦૧૧નાં વન-ડે વિશ્વકપમાં તેણે પોતાની બેટીંગથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ટીમને વિજય અપાવ્યો હતો. જયારે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકસવેલે પ૧ દડામાં સદી શ્રીલંકા સામે ૨૦૧પમાં નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button