કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના ૭૧મા જન્મદિવસની સેવાસભર ઉજવણી

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના ૭૧મા જન્મદિવસની સેવાસભર ઉજવણી
પાટીલ પરિવાર દ્વારા કેન્સરના દર્દીઓ માટે ૭૧ કીટ, હેમોફીલિયા ફેક્ટરના બાળકો માટે ૭૧ કીટ, ફેશિયલ પાલ્સીથી પીડિત બાળકો માટે ૭૧ કીટ અર્પણ
નવી સિવિલ હોસ્પિટલને મંત્રી સી.આર.પાટીલે એક ગોલ્ફ કાર્ટ ભેટ આપી: ગોલ્ફ કાર્ટથી દર્દીઓને અવરજવરમાં સુવિધા અને સરળતા રહેશે
લિંબાયત ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને પાંડેસરામાં છોટુભાઈ પાટીલ દ્વારા વિનામૂલ્યે મેગા સર્વ રોગ મેડિકલ કેમ્પ, અને દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ
નવી સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ સાધન સહાય અર્પણ કરીને નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલના ૭૧મા જન્મદિવસની સેવાભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાટીલ પરિવાર દ્વારા કેન્સરથી સ્વસ્થ થયેલા દર્દીઓ માટે ૭૧ કીટ, હેમોફીલિયા ફેક્ટરના બાળકો માટે ૭૧ કીટ, ફેશિયલ પાલ્સીથી પીડિત બાળકો માટે ૭૧ કીટ અર્પણ કરવામાં આવી હતી.
નવી સિવિલ હોસ્પિટલને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલે એક ગોલ્ફ કાર્ટ તેમજ કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા એક ઇ-રિક્ષાની ભેટ આપવામાં આવી હતી, જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓને નવી બિલ્ડિંગમાં સ્થળાંતર તેમજ સારવાર માટે અવરજવરમાં સરળતા રહેશે. સી.આર.પાટીલ તેમજ તેમના ધર્મપત્ની ગંગાબેન પાટીલ, શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા ડો. દિલીપદાદા દેશમુખ દ્વારા લીલી ઝંડી આપી ગોલ્ફ કાર્ટ અને ઈ-રિક્ષાને દર્દીનારાયણની સેવામાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બારડોલી તાલુકાના ખરવાસા સ્થિત મંદબુદ્ધિના બાળકોના આશ્રમ માટે ૧૭૧ હાઈજીન અને એજ્યુકેશનલ કીટ સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે અર્પણ કરાશે.
દિવ્યાંગોને સાધન સહાય જેમાં ટ્રાઈસિકલ, વ્હીલચેર, કાખઘોડી, વોકર, ટોયલેટ ચેર, પોષણ કીટ સહિતની ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. હિમોફિલિયાના દર્દીઓ માટે જ્ઞાનની વૃદ્ધિ, મગજનો વિકાસ અને શારીરિક માનસિક દિવ્યાંગતામાં મદદરૂપ થઈ શકે તેવી કીટ અપાઈ હતી. સિવિલના તબીબી, નર્સિંગ સ્ટાફ અને સ્વચ્છતાકર્મીઓએ શ્રી સી. આર.પાટીલને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
વિશેષત: લિંબાયત ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા વિનામૂલ્યે મેગા મેડિકલ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, હૃદયરોગની તપાસ અને વિનામૂલ્યે ચશ્મા વિતરણ તેમજ ૮૦ જેટલા દિવ્યાંગો માટે ટ્રાઈસિકલ, વ્હીલચેર, કાખઘોડી, વોકર, ટોયલેટ ચેર, પોષણ કીટ સહિતની જેવી
દિવ્યાંગ સાધન સહાય કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક રાજકીય અગ્રણી છોટુભાઈ પટેલ દ્વારા પાંડેસરાના ચીકુવાડીમાં આંખ નિદાન, મોતિયાની તપાસ, સારવાર ચશ્મા વિતરણ સહિત મેડિકલ કેમ્પ તેમજ દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કરાયું હતું.
નોંધનીય છે કે, છેલ્લા એક દાયકાથી વધુ સમયથી શ્રી સી.આર. પાટીલના જન્મદિનની ઉજવણી નવી સિવિલના દર્દીઓને મદદરૂપ થઈને વિવિધ કીટ, સાધનસહાય અર્પણ કરી સેવાસભર ઉજવણી કરવામાં આવે છે. શ્રી પાટીલજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સુરત ખાતે યુથ ફોર ગુજરાત અને ઉધના ઝોન ભાજપ પરિવાર દ્વારા પણ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ, મહારક્તદાન શિબિર, નિ:શુલ્ક ચક્ષુ નિદાન કેમ્પ તેમજ વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન તથા અન્ય સ્વાસ્થ્ય સેવા કેમ્પ યોજી ડોકટરો અને આરોગ્યકર્મીઓની બહુમૂલ્ય યોગદાન સાથે મોટી સંખ્યામાં દર્દીઓને આરોગ્ય સેવા આપવામાં આવી હતી.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખશ્રી પરેશ પટેલ, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા ડો. દિલીપદાદા દેશમુખ, નર્મદ યુનિ. ના મેડિકલ ફેકલ્ટી ડીન ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશ પાટીલ, ડિસ્ટ્રીક્ટ અર્લી ઈન્ટરવેન્શન સેન્ટરના મેનેજર ડો.હર્ષિતા પટેલ, ટી એન્ડ ટીવી નર્સિંગ કોલેજના આચાર્ય કિરણ દોમડીયા, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, યુવા મોરચાના મંત્રી શૈલેષ નાઈ, આદિલ કડીવાલા, નર્સિંગ એસો.ના સંજય પરમાર, બિપીન મેકવાન, વિરેન પટેલ તેમજ તબીબો, મોટી સંખ્યામાં કાર્યકરો અને પાટીલ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા