અશિક્ષિત મહિલા જશીબેન જરાએ હાથલા થોર તથા એલોવેરામાંથી વિવિધ ઉત્પાદનોના વેચાણથી પુત્રને એમ.બી.બી.એસ. બનાવ્યો

અશિક્ષિત મહિલા જશીબેન જરાએ હાથલા થોર તથા એલોવેરામાંથી વિવિધ ઉત્પાદનોના વેચાણથી પુત્રને એમ.બી.બી.એસ. બનાવ્યો
સખી મિશન મંડળની બહેનો વર્ષ દહાડે ૧૦ લાખનું ટર્નઓવર કરે છેઃ ૧૦ ટન હાથલામાંથી પાવડર તથા જ્યુસ બનાવીને વેચાણ કરીને આત્મનિર્ભર બની
હાથલા થોરના ફીંડલાનો રસ ખૂબ સ્વાદિષ્ટ અને ગુણકારી: ફીંડલાના કુદરતી સ્વાદને લોકો સુધી પહોંચાડી આર્થિક ઉપાર્જન મેળવતી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટીયા ગામની બહેનો
સુરતના અડાજણ ખાતે આયોજિત સરસ મેળામાં પ્રત્યેક સ્ટોલમાં આત્મનિર્ભર નારીઓની પ્રેરક સંઘર્ષગાથા
‘વાયબ્રન્ટ ગુજરાત’માં વિદેશી ડેલિગેટ્સએ જશીબેનના હાથલાના પાવડરની ખરીદી કરી સ્વાદ માણ્યો છે
એક સમયે ગામના લોકો અમારી હાંસી ઉડાવીને અમારા પતિને કહેતા કે “તમારી ઘરવાળી ગામો-ગામ રખડે છે, મહિલાઓ તો ઘરમાં જ ઉજળી લાગે..’ આવું કહેનારાઓના મોં હવે સિવાઈ ગયા છે: જશીબેન જરા
નારાયણી સમાન નારીઓએ આજે પોતાના હુન્નરથી અનેકક્ષેત્રે નામના મેળવી છે, ત્યારે ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ થાય અને તેમનું આર્થિક ઉત્થાન થાય એ હેતુથી આયોજિત સરસ મેળામાં પગભર બનેલી મહિલાઓના કલાકસબથી નિર્મિત ઉત્પાદનો સુરતવાસીઓને આકર્ષી રહ્યા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટીયા ગામના રહેવાસી ૪૫ વર્ષીય જશીબેન હિરાભાઈ જરા પણ આવા જ એક આત્મનિર્ભર નારી છે, જેઓ રાજ્ય સરકારની મિશન મંગલમ થકી મળેલા પ્રોત્સાહન અને સહાયથી આત્મનિર્ભર બન્યા છે. એટલુ જ નહીં, હાથલાના જયુસ, પાવડર તથા એલોવેરાની જેલ, અળસીનો મુખવાસ બનાવી વેચાણ કરીને તેમના દીકરાને એમ.બી.બી.એસ. બનાવ્યો છે. આજે તેમનો દીકરો એમ.બી.બી.એસના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.
સુરતના અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ ખાતે આયોજિત સરસ મેળાના પ્રત્યેક સ્ટોલમાં ભારતભરમાંથી આવેલી અનેક આત્મનિર્ભર નારીઓની પ્રેરક સંઘર્ષગાથા જોવા-જાણવા મળશે. આ મહિલાઓએ હસ્તકલા, હુન્નરથી સુરતવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે.
સરસ મેળામાં જામનગર જિલ્લાના છેવાડાના ગામથી આવેલા જશીબેન જરા વાત કરતા કહે છે કે, મને સરકારે પ્રોત્સાહન આપ્યું જેના થકી આજે હું આ મુકામ સુધી પહોંચી છું. અમારા ગામમાં વરસાદની અછત અને અમારી પાસે ખેતીની જમીન ન હોવાના કારણે અન્યને ત્યાં ખેતમજૂરીએ જવું પડતુ હતું. એક દિવસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી અમારા ગામમાં આવ્યા. તેમણે જોયું કે, ગામમાં હાથલાના થોર ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. જેથી તેઓની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મિશન મંગલમમાં જોડાયા. ગામની બહેનોએ હાથલાના ફીંડલામાંથી જ્યુસ બનાવવાની તાલીમ મેળવી.
વધુમાં તેઓ કહે છે કે, હાથલા થોરના ફીંડલાનો રસ ખૂબ સ્વાદિષ્ટ અને ગુણકારી હોય છે. શરૂઆતમાં એટલે કે ૨૦૦૯ના વર્ષમાં અમે ૧૦ બહેનો સાથે મળીને ગામની સીમમાંથી ફીંડલા લાવી તેમાંથી જયુસ બનાવીને તાલુકા મથકે જઈને વેચાણ કરતા હતા.
સમય જતા જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મદદથી સખી મિશન જૂથની રચના કરી. સરકારના અધિકારીઓના સહયોગથી તાલુકા-જિલ્લામાં થતા મેળાઓમાં અમોને વિનામૂલ્યે સ્ટોલ મળતા, જેથી અમારો વેપાર પણ વધતો ગયો. આજે હું ભારતભરમાં સરકાર દ્વારા આયોજિત મેળાઓમાં જઈને મારી પ્રોડકટનું વેચાણ કરૂ છું.
તેઓ કહે છે કે, જ્યુસ મેળવવા માટે હાથલાનો ડોડો અને એલોવેરાએ મુખ્ય કાચો માલ છે. વન-વગડામાંથી વીણીને લાવવા પડે ત્યારે ગામજનો અમારી હાંસી ઉડાવતા હતા અને પતિને કહેતા કે, “તમારી ઘરવાળી ગામો-ગામ રખડે છે, મહિલાઓ તો ઘરમાં જ ઉજળી લાગે.. સ્ત્રીઓને આટલી છૂટ આપવી સારી નથી ” એવા માનસિક ત્રાસથી હતાશાની લાગણી પણ થતી હતી. શરૂઆતમાં અમોએ બનાવેલા હાથલાનું શરબત અને જ્યુસ લોકો ફેંકી દેતા હતા. પણ તેની ઉપયોગીતા વિશે જાગૃતિ આવતા આજે તેની માંગમાં ખાસ્સો વધારો થયો છે. અમારા જૂથની બહેનો સીમમાંથી ફીંડલા વીણીને ભેગા કરીએ છીએ.
તેમણે ઉમેર્યું કે, અમે વર્ષે દસ ટન હાથલામાંથી જ્યુસ, પાવડર તથા એલોવેરામાંથી જેલ બનાવીને વેચાણ કરી છીએ. મશીનમાં પ્રોસેસિંગ કરીને જયુસથી લઈને પાવડર પણ બનાવીએ છીએ. ફીંડલાના ફાયદાઓ વર્ણાવતા કહે છે કે, ફીંડલાના જયુસથી ફાઈબરયુક્ત આહાર પાચન સુધારે છે. હિમોગ્લોબિન વધારે છે. ઉપરાંત તેમાં કોલેસ્ટ્રોલની પણ ખૂબ ઓછી માત્રા હોય છે, જેથી પાચન સાથે જોડાયેલી સમસ્યા થતી નથી. હ્રદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે.
વાની સંભાવ જશીબેન કહે છે કે, મિશન મંગલમમાં જોડાયા બાદ અમારા જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. અમારી પ્રોડકટની માંગ વધતા બહેનોની આવકમાં વધારો થયો છે. જેથી અમારા દીકરા-દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરતા થયા છે. પોતાની વાત કરતા કહે છે કે, મારો એક દીકરો આણંદની મેડિકલ કોલેજમાં MBBS અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે બીજા દીકરાએ જામનગરની ડી. કે. વી. કોલેજમાં BSc. કેમિસ્ટ્રીમાં સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી છે.
તેઓ કહે છે કે, સરકાર દ્વારા સમગ્ર ભારતમાં થતા સરસ મેળામાં વિનામૂલ્યે સ્ટોલ, રહેઠાણ તથા મુસાફરી ભથ્થું સહિતની સગવડો આપવામાં આવે છે. એક મેળામાં અંદાજે એક લાખથી વધુનું વેચાણ થાય છે. વાયબ્રન્ટ ગુજરાતમાં પણ અમારી સખીમંડળનો સ્ટોલ હતો, જેમાં વિદેશી ડેલિગેટ્સએ હાથલાના પાવડરની ખરીદી કરી સ્વાદ માણ્યો છે. આ ઉપરાંત મુંબઈ અને હૈદરાબાદમાં યોજાયેલા મેળામાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. એકવાર ગ્રાહક ખરીદી કરે છે ત્યારબાદ બલ્કમાં પણ ઓર્ડર આપીને કુરિયર દ્વારા ઉત્પાદનો મંગાવે છે એમ તેઓ જણાવે છે.