કતારગામની વી.એન.ગોધાણી ઇગ્લિંશ સ્કૂલમાં “વિદ્યારંભ સંસ્કાર” યોજાયો

કતારગામની વી.એન.ગોધાણી ઇગ્લિંશ સ્કૂલમાં “વિદ્યારંભ સંસ્કાર” યોજાયો
મનુષ્યના જીવનના સોળ સંસ્કારમાંની એક મહત્વની પગથી એટલે વિદ્યારંભ સંસ્કાર. મા સરસ્વતી, આર્ય ઋષિ પરંપરા અને પ્રકૃતિ માતાને નમન કરીને યોગ્ય વિધી વિધાન દ્વારા આ પ્રસંગને દૈદીપ્યમાન કરવાથી બાળકમાં વિદ્યા મેળવવાની તાલાવેલી જાગે અને વિદ્યા પ્રાપ્તિની ગતિ વધે તે માટે શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા વી.એન. ગોધાણી ઇગ્લિંશ સ્કૂલ દ્વારા વિદ્યારંભ સંસ્કાર-2025નું તા. 1 જુલાઈએ મંગળવારના રોજ સવારે 8:30 કલાકેથી આયોજન કરાયું હતું. જેમાં 102 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાએ ભાગ લીધો હતો. વિદ્યારંભ દરમિયાન નવા વિદ્યાર્થીઓનું શાળામાં હર્ષભેર સ્વાગત કરાયું હતું તથા શિક્ષણની નવી શરૂઆતને લઈને વિવિધ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ યોજાઇ હતી. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સામૈયું લઈ વાજતે-ગાજતે ઢોલ અને ડીજેના તાલ સાથે કતારગામ સ્થિત ધોળકિયા ગાર્ડનથી સ્કૂલના પ્રાંગણ સુધી પહોંચ્યા હતા. વાલીઓએ પોથીને સાથે ગરબા લીધા હતા. યાત્રા બાદ પોથી પૂજન- સરસ્વતી પૂજન અને વિદ્યાર્થીઓનું તિલક, ચોખા, હાર અને ગિફ્ટ આપી મહેમાનો દ્વારા વેલકમ કરાયું હતું અને બાળકોએ હિન્દુ શાસ્ત્ર અનુસાર વિધી પૂર્વક સરસ્વતી માતાનું પૂજન અને પ્રાર્થના કરી નોટબુકમાં મમ્મી-પપ્પાની મદદથી લાલ પેનથી લખવાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ગેસ્ટ ઓફ હોનર તરીકે કલેક્ટર કચેરીની જિલ્લા આયોજન ટીમના સિનિયર કક્ષાના રિસર્ચ ઓફિસર અંકિતાબેન ઉપાધ્યાય, રિસર્ચ ઓફિસર દીપિકાબેન પંચાલ, આરજેડી રિસર્ચ ઓફિસર શીતલબેન માંડવીયાએ ઉપસ્થિત રહી બાળકોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આચાર્યશ્રી દિવ્યાબેન ગજ્જર, ડાયરેકટરશ્રી ભાવેશભાઈ લાઠીયા તેમજ મેનેજરશ્રી મહેન્દ્રભાઇ પટેલ અને શિક્ષકમંડળના પ્રયત્નોને બિરદાવાયા છે. રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા તથા ધોળકિયા પરિવાર ઉપસ્થિત રહીને સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.