ગુજરાત

ગુજરાતમાં H1N1 સામે આરોગ્ય તંત્ર સજ્જ, હાલ માત્ર 2 કેસ નોંધાયા

ગુજરાતમાં H1N1 સામે આરોગ્ય તંત્ર સજ્જ, હાલ માત્ર 2 કેસ નોંધાયા
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક
2019ની ગાઈડલાઈન મુજબ ટેસ્ટિંગ-સારવાર અને હોસ્પિટલોમાં દવા, ઓક્સિજન-વેન્ટિલેટરની પૂરતી વ્યવસ્થા રાખવા સૂચના
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા સફળ નિયંત્રણ તેમજ સીઝનલ ફ્લૂ (H1N1) સામેની આગોતરી સજ્જતાની સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ બેઠકમાં રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાઓના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય મંત્રીશ્રીએ ચોમાસા દરમિયાન આરોગ્ય વિભાગ, સુરત મહાનગરપાલિકા (SMC) તેમજ તમામ જિલ્લા આરોગ્ય તંત્રો દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ઝાડા-ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, મલેરિયા, ચિકનગુનિયા, કમળો કે સામાન્ય સીઝનલ ફ્લૂ જેવા રોગોમાં દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં ઝડપી અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી છે, તબીબો અને આરોગ્ય સ્ટાફ દ્વારા હોસ્પિટલોમાં આપવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાઓના પરિણામે જ ગુજરાતનું હેલ્થ મોડલ આજે સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ અને નોંધપાત્ર સ્થાન ધરાવે છે.
વધુમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાંથી H1N1 (સીઝનલ ફ્લૂ)ના કેસો સામે આવી રહ્યા છે અને આ બંને શહેરોમાંથી ફ્લાઇટ્સ, ટ્રેન તથા બસ માર્ગે નાગરિકોનું ગુજરાતમાં સતત આવાગમન રહે છે. મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરતાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં H1N1નો કોઈ ગંભીર ઉપદ્રવ નથી. હાલ ગાંધીનગર ખાતે માત્ર બે કેસ નોંધાયા છે અને બંને દર્દીઓની હાલત સામાન્ય હોવાથી રાજ્યના નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓને આદેશ આપતાં જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૧૯ની H1N1 ગાઇડલાઇન મુજબ જ રાજ્યની તમામ હોસ્પિટલોમાં દર્દીઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારની પ્રક્રિયાનું ચોક્કસ પાલન થાય તેમજ ઇમરજન્સી વિભાગો, તબીબો અને નર્સિંગ સ્ટાફને આ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવે.
આ ઉપરાંત H1N1 (સીઝનલ ફ્લૂ) સામેની સજ્જતાના ભાગરૂપે મંત્રીશ્રીએ રાજ્યની સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાઓના સિનિયર આરોગ્ય અધિકારીઓને તમામ સરકારી હોસ્પિટલોમાં જરૂરી દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટરની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ રાખવા નિર્દેશ આપ્યા હતા.
આરોગ્ય મંત્રી શ્રી પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ હોસ્પિટલમાં ટેકનિકલ કે સ્ટાફ સંબંધિત પ્રશ્નો હોય હોસ્પિટલના તબીબી અધિકારીઓએ આંતરિક સ્તરે જ તેનો ઉકેલ લાવવો જેથી દર્દીઓની સેવાઓ ખોરવાય નહીં. આ ઉપરાંત, હોસ્પિટલોમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા પર પણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ખાસ ભાર મૂક્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button