ગુજરાત

નાનાપોંઢાના ભંડારકચ્છ ગામે ‘સ્વાસ્થ્ય પોષણ સેવા સંગમ’ કાર્યક્રમ યોજાયો

સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ સહાયનું વિતરણ કરાયું

પીએમ જન મન યોજના હેઠળના મલ્ટી પર્પઝ સેન્ટર ખાતે બાળકોના વિકાસ અને પોષણ સ્તરના મૂલ્યાંકન સાથે આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવાઈ
પ્રથમવારની સગર્ભા બહેનોનું પ્રતિકાત્મક સીમંત કરી પોષણ કીટ અપાઈ, કિશોરીઓ અને માતાઓને ટેક હોમ રાશનનું વિતરણ કરાયું
‘સુપોષણ સંવાદ’ અંતર્ગત સગર્ભા માતાઓને પૌષ્ટિક આહાર, સંપૂર્ણ રસીકરણ અને બાળકના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન અપાયું
વલસાડ : વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના ભંડારકચ્છ ગામે પીએમ જન મન યોજના હેઠળ બનેલા મલ્ટી પર્પઝ સેન્ટર ખાતે આદિજાતિ બાબત મંત્રાલય ભારત સરકારની ગાઈડલાઈન મુજબ તેમજ વલસાડ આઈસીડીએસના જિલ્લા પ્રોગ્રામ અધિકારીના સહયોગથી “સ્વાસ્થ્ય પોષણ સેવા સંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ બાળકોના વિકાસની દેખરેખ અને પાયાના પોષણનું મૂલ્યાંકન કરવાનો તેમજ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પૂરક પોષણનુ વિતરણ કરવાનો હતો.
મુખ્ય અતિથિ તરીકે આઇસીડીએસ કપરાડા ઘટક-૨ ના બાળ વિકાસ યોજના અધિકારી ઉન્નતિ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, આ સાથે ગામના સરપંચ ગંગારામભાઈ, આરોગ્ય ખાતાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (સીએચઓ) સંજયભાઈ, એએનએમ તૃપ્તિબેન અને મુખ્ય સેવિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સીએચઓ સંજયભાઈ દ્વારા ગામના લોકોને ખાસ કરીને મહિલાઓને તેમજ બાળકોને સંપૂર્ણ રસીકરણ કરાવવા અર્થે તેમજ પોતાના સ્વાસ્થ્યની કાળજી માટે પોતે રાખવાની થતી તકેદારી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા બાબતે આપણી નૈતિક ફરજ વિશે, ઠંડા પીણા તેમજ બહારના પેકેજ્ડ ફૂડનો ઉપયોગ ટાળી રોજિંદો ઘરનો ખોરાક તેમજ આંગણવાડીમાંથી આપવામાં આવતા પૂરક પોષણનો લાભ લઇ પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા અંગે અપીલ કરવામાં આવી હતી.
ગામના સરપંચ ગંગારામભાઈ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની કામગીરીને બિરદાવવામાં આવી તેમજ ગામના ઉજવળ ભવિષ્ય માટે સૌના સહિયારા પ્રયત્નોની જરૂરિયાત છે તે બાબતે સંવાદ કરવામાં આવ્યો હતો. સીડીપીઓ ઉન્નતીબેન દ્વારા લાભાર્થી સગર્ભા બહેનો સાથે સંવાદ અને પરામર્શ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત તેઓએ સગર્ભાવસ્થા દરમિયાન લેવાની થતી કાળજી તેમજ સગર્ભાવસ્થા દરમિયાનના ખોરાકની આવનારા બાળક પર અને તેના પોષણ સ્તર પર થતી અસરો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. સૂક્ષ્મ પોષકતત્વો અને વિટામિન વગેરેની ઉણપથી બાળકની શારીરિક તેમજ માનસિક કાર્યક્ષમતા પર થતી નકારાત્મક અસરો વિશે રોજિંદા જીવનના ઉદાહરણ સ્વરૂપ કિસ્સા વર્ણવી માતાઓ તેમજ બાળકની સંભાળ લેનાર વ્યક્તિએ બાળકના ખોરાક અને રોજિંદી પ્રવૃત્તિઓ ઉપર ધ્યાન આપે બાળકના ઉજવળ ભવિષ્ય માટેનો પાયો કઈ રીતે મજબૂત બનાવી શકાય તેના વિશે ચર્ચા કરી હતી. જેમાં હાજર સગર્ભા બહેનો તેમજ માતાઓ સાથેના દ્વિ-તરફી સંવાદથી કાર્યક્રમ પરિપૂર્ણ થયો હતો.
કાર્યક્રમમાં મહિનાના પ્રથમ મંગળવાર “સુપોષણ સંવાદ”ની સમુદાય આધારિત પ્રવૃત્તિની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમવારની સગર્ભા બહેનોનું પ્રતિકાત્મક સીમંત વિધિ દ્વારા સન્માન કરી તેઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવી હતી. આ સાથે કિશોરી અને છ માસથી ત્રણ વર્ષના બાળકોને તેમજ સગર્ભા અને ધાત્રી માતાને ટેક હોમ રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્રણ થી છ વર્ષના લાભાર્થી બાળકોને આંગણવાડીમાંથી આપવામાં આવતા પૂરક પોષણ જેવા કે, ગરમ નાસ્તો અને બપોરનું ભોજન તેમજ “દૂધ સંજીવની યોજના” અંતર્ગત ફ્લેવર્ડ દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે આદિજાતિ જિલ્લાઓમાં ચાલતી “પોષણ સુધા” યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને એક સમયનું સંપૂર્ણ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આંગણવાડી કાર્યકર ગુણવંતીબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button