ગુજરાત

શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ દ્વારા ભવ્ય ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાયો

શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ દ્વારા ભવ્ય ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાયો
સરદારસાહેબની ૧૫૧મી જયંતીએ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો પ્રેરક સંદેશ ગુંજ્યો
સુરત: શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત પ્રેરિત શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ દ્વારા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જયંતી નિમિત્તે ભવ્ય ‘સરદાર વંદના’ કાર્યક્રમ જમનાબા વિદ્યાર્થીભવન, વાલક પાટિયા, સુરત ખાતે યોજાયો હતો. યુવાનો અને નાગરિકોમાં સરદારસાહેબના વિચારો પ્રત્યે જાગૃતિ કેળવવા તથા રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવના દૃઢ કરવાના ઉદ્દેશથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ સામૂહિક ઓમકારનાદથી થયો હતો. સરદાર સાર્ધશતાબ્દીની ઉજવણી અંતર્ગત ‘સમન્વય’ના સાથીઓ દ્વારા ગુજરાતની આશરે ૫૬૫ શાળાઓમાં યોજાયેલા ‘સરદાર વંદના’ કાર્યક્રમોની ઝાંખી રજૂ કરતી પ્રેરણાદાયી દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ‘અભિનવ ભારત’ સંસ્થાનાં બાળકોએ સુંદર નાટિકા રજૂ કરી હતી. મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય બાદ ‘પ્રતિભા ડાન્સ એકેડમી’ દ્વારા સ્વાગતગીતની મનોહર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
‘સમન્વય’ના સૌરાષ્ટ્ર ઝોનના સહસંયોજક શ્રી વિઠ્ઠલભાઈ સવાણીએ અભિયાનની પીઠિકા રજૂ કરી હતી. દક્ષિણ ગુજરાતના સહસંયોજક ડૉ. સુરેશ અવૈયાએ સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ શ્રી લાલજીભાઈ પટેલ, પી.પી. સવાણી ગ્રૂપના શ્રી વલ્લભભાઈ સવાણી, ૧૦૦૮ સરસ્વતીધામના સ્વપ્નદ્રષ્ટા શ્રી કેશુભાઈ ગોટી, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખ શ્રી સવજીભાઈ વેકરિયા, જાણીતા બિલ્ડર શ્રી જસમતભાઈ વીડિયા, લેન્ડમાર્કના શ્રી માધવજીભાઈ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ કોલડિયા, આઈ.જી. દેસાઈ સ્કૂલના ટ્રસ્ટી શ્રી પરિમલભાઈ દેસાઈ, શ્રી જયેશભાઈ કાકડિયા, શ્રી પરબતભાઈ ડાંગસિયા અને શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોને પુસ્તક અને સ્મૃતિભેટ અર્પણ કરીને ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો.
મહાનુભાવોએ પોતાનાં પ્રેરક ઉદ્બોધનોમાં અખંડ ભારતના નિર્માણ માટે સરદારસાહેબે કરેલા અસાધારણ પુરુષાર્થ અને તેમના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો વર્ણવ્યા હતા. સરદારસાહેબની કર્તવ્યનિષ્ઠા, ત્યાગભાવના અને રાષ્ટ્રસમર્પણમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રનિર્માણમાં યથાશક્તિ યોગદાન આપવા તેમણે અનુરોધ કર્યો હતો.
શ્રી જય લખાણી અને શ્રી મોહનભાઈ મોરે સરદારસાહેબને સમર્પિત પ્રેરણાદાયી ગીતો રજૂ કરીને વાતાવરણને દેશભક્તિના રંગે રંગ્યું હતું. કુ. ઋતુ ચત્રોલાએ સરદારસાહેબના જીવન પર વક્તવ્ય રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન શ્રી રાજેશકુમાર ધામેલિયા અને શ્રી અલ્પેશભાઈ પટેલે કર્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા ‘સમન્વય’ના તમામ સાથીઓએ નિષ્ઠાપૂર્વક જહેમત ઉઠાવી હતી; શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તેમજ વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનો સક્રિય સહયોગ સાંપડ્યો હતો. શ્રીમતી પ્રતિભા લશ્કરીએ આભારવિધિ કરી હતી અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button