ગુજરાત

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ૧૦૩મું પણ સફળ અંગદાન: ૪ જરૂરિયાતમંદ દર્દીઓને મળ્યું નવજીવન

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ૧૦૩મું પણ સફળ અંગદાન: ૪ જરૂરિયાતમંદ દર્દીઓને મળ્યું નવજીવન
મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર સરહદ વિસ્તારના શ્રમિક પરિવારે લીધો હિંમતભર્યો નિર્ણય
સુરતથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં હૃદય પહોંચાડાયું
સુરત નવી સિવિલથી વંદે ભારત ટ્રેન મારફતે બીજી વાર હૃદય અમદાવાદ મોકલાવાયું:
સુરત નવી સિવિલની અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ વિશે જાણવા મળતાં પરિવારજનો દર્દીને મહારાષ્ટ્રના નંદુરબારથી સુરત લાવ્યા હતા
સુરત:રવિવાર: નવી સિવિલ હોસ્પિટલમાં ૧૦૩મું સફળ અંગદાન થયું છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ નજીકના અંતરિયાળ વિસ્તારના ૩૧ વર્ષીય યુવક અંકેશ વળવી બ્રેઈનડેડ થતા પરિવારે આ દુઃખદ ક્ષણે પણ હિંમતપૂર્વક નિર્ણય લઈને હૃદય, બે કિડની અને લીવરનું દાન કરતા ૪ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.
મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના પાનસેમલ વિસ્તારના ધાવડી રાખીબુજુર્ગ ગામના હેવાસી ૩૧ વર્ષીય યુવાન અંકેશ શંભુભાઈ વળવી ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત તા. ૨૮ ઓક્ટો. ના રોજ સાંજે ૭:૩૦ વાગ્યે તેઓ રાણીપુર ગામ પાસે બાઇક લઈને ખેતર જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થઈ જવાથી માથાના ભાગે વાગતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.
રોડ પર અકસ્માત જોઈ એક દુકાનના માલિકે પરિવારજનોને જાણ કરી પ્રાથમિક સારવાર માટે અંકેશને નજીકના સરકારી દવાખાને લઈ ગયા હતા. પરંતુ ત્યાં પૂરતી સુવિધા ન હોવાથી ડૉક્ટરોની સલાહ મુજબ તેમને નંદુરબારની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યા પણ સ્થિતિ ગંભીર બની હતી. સામાન્ય પરિવાર માટે ખાનગી હોસ્પિટલની મોંઘી સારવાર પોસાય તેમ ન હોવાથી તેમજ સુરત નવી સિવિલની અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ વિશે જાણવા મળતાં દર્દીને તા. ૩૦મીએ રાત્રે ૧૧:૨૪ નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા.
નવી સિવિલના ઇમરજન્સી વિભાગમાં પ્રાથમિક સારવાર આપી તેમની ગંભીર હાલતને જોતાં તાત્કાલિક આઈ.સી.યુ. માં શિફ્ટ કર્યા હતા. તબીબોએ અંકેશને બચાવવાના અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ તા. ૩૧ ના રોજ રાત્રે ૧૦:૪૬ વાગ્યે ન્યુરોલોજિસ્ટ ડૉ. જય પટેલ, ન્યુરો સર્જન ડૉ. કેયુર પ્રજાપતિ, આર.એમ.ઓ. ડૉ. લક્ષ્મણ તહેલાની અને ડૉ. નિલેશ કાછડીયાએ ‘બ્રેઈન ડેડ’ જાહેર કર્યા હતા.
તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ ડૉ. નિલેશ કાછડીયા, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલાબેન કાથુડ તથા મેડિકલ ઓફિસરો ડૉ. દિવ્યા, ડૉ. રાધિકા અને ડૉ. સંસ્કૃતિએ પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતા પરિવારે ભારેહૈયે સંમતિ આપી હતી. મૃતકના પરિવારમાં માતાપિતા, પત્ની, ૮ વર્ષનો પુત્ર અને ૫ વર્ષની પુત્રી છે.
સુરતથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે હૃદયને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે ઝડપભેર મોકલવામાં આવ્યું હતું. સુરતથી વંદે ભારત ટ્રેન દ્વારા હૃદય મોકલવાની આ બીજી ઘટના છે. લિવર અને બે કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર મિશનમાં મેડિકલ ઓફિસર ડૉ. આર.ડી. બર્મન, તબીબો, મેડિકલ ઓફિસરો તેમજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સહિત સિક્યોરિટી સ્ટાફે જહેમત ઉઠાવી યોગદાન આપ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button