ગુજરાત

સુરતના ચૌટા બજારમાં શૂઝ-બેગની દુકાનના બેઝમેન્ટમાં આગથી અફરાતફરી

તૈયબ પ્લાઝાની ગ્લોરા શૂઝ એન્ડ બેગમાં સવારે આગ લાગી

ફાયર બ્રિગેડે 47 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
સુરત : સુરતના અતિ વ્યસ્ત ચૌટા બજાર વિસ્તારમાં શુક્રવારે સવારે આગની ઘટનાને પગલે વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ચૌટા બજાર સ્થિત તૈયબ પ્લાઝાના બેઝમેન્ટમાં આવેલી ગ્લોરા શૂઝ એન્ડ બેગ નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, સવારે 10:50 કલાકે આગ લાગ્યાનો કોલ તાપીપુરા ફાયર સ્ટેશનને મળ્યો હતો. કોલ મળતાની સાથે જ સબ ફાયર ઓફિસર બલવંતસિંહ જાડેજા સહિત ફાયર વિભાગની ટીમ પીસીઆર, મિની ટેન્ડર અને વોટર ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
દુકાનના બેઝમેન્ટ B.G.-2માં આગ લાગી હોવાથી આગને કાબૂમાં લેવા ફાયર જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. પાણીનો સતત મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. ફાયર વિભાગની ઝડપી કામગીરીના પરિણામે સવારે 11:37 વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
આગની ઘટનામાં બેઝમેન્ટની બહારની તરફ રાખવામાં આવેલા શૂઝ અને બેગનો કેટલોક સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે દુકાનમાં રહેલો મોટાભાગનો માલસામાન બચાવી લેવામાં આવ્યો હતો.
ચૌટા બજાર જેવા ગીચ અને સાંકડા વિસ્તારમાં આગની ઘટનાને કારણે મોટી દુર્ઘટનાની ભીતિ સર્જાઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની સતર્કતાથી આગને સમયસર કાબૂમાં લઈ લેવામાં આવતાં મોટી હોનારત ટળી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાથમિક અનુમાન મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button