દિવાળીના પર્વે ઝંકાર ફાઉન્ડેશન દ્વારા અંધ બહેનોને રાશન કીટ અને મીઠાઈનું વિતરણ
જીવરાજ પાર્કના રણછોડજી મંદિરે દિવાળીની ખુશીઓ વહેંચાઈ; અંધજન મહિલાઓને જીવનજરૂરી વસ્તુઓ અને ભેટ આપીને તહેવારની ઉજવણી કરાઈ

જીવરાજ પાર્ક સ્થિત રણછોડજી મંદિર ખાતે દિવાળીના પાવન પર્વ નિમિત્તે ઝંકાર ફાઉન્ડેશન દ્વારા અંધજન મહિલાઓ માટે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંધજન બહેનોને રાશન કીટ, મીઠાઈ તેમજ વિવિધ જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકાર્યમાં ઝંકાર ફાઉન્ડેશનના પ્રકાશ મહેતા, શરલાબેન ત્રિવેદી, હેમંતભાઈ ત્રિવેદી, વિવેક આનંદ તેમજ વેજલપુર વોર્ડમાં 108ના નામથી જાણીતા દિલીપભાઈ બગડીયા અને રણછોડજી મંદિરનાં અન્નપૂર્ણાબેનના હસ્તે અંધજન મહિલાઓને સહાય સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે દાતાશ્રીઓ ઉપરાંત વિસ્તારના અનેક આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દિવાળીના પર્વે જરૂરિયાતમંદ મહિલાઓ સાથે ખુશીઓ વહેંચીને માનવતા, સેવા અને સામાજિક સંવેદનાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ઝંકાર ફાઉન્ડેશનના આ સેવાભાવી પ્રયાસથી અંધજન બહેનોની દિવાળી વધુ આનંદમય બની હતી. તહેવારની સાચી ઉજવણી અન્યોના જીવનમાં ખુશીઓ અને આશાનો પ્રકાશ ફેલાવવામાં છે, તેવો સુંદર સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો.



