ધરમપુરની નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની ૧૯૩મી જન્મજયંતિની ઉજવણી

ધરમપુરની નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની ૧૯૩મી જન્મજયંતિની ઉજવણી
નર્મદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરાયું; યુવાનોને ગુજરાતી સાહિત્યના નિયમિત વાંચન માટે પ્રેરણા અપાઈ
ધરમપુર : સમાજ સુધારક, કવિ અને ગદ્ય સાહિત્યકાર વીર કવિ નર્મદાશંકર લાલશંકર દવેની ૧૯૩મી જન્મજયંતિ નિમિત્તે ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરી ખાતે વીર નર્મદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તથા દીપ પ્રાગટ્ય કરીને જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
વીર નર્મદનો જન્મ ૨૪ ઓગસ્ટ, ૧૮૩૩ના રોજ સુરત ખાતે થયો હતો. ગુજરાતી સાહિત્યમાં કવિતા અને ગદ્ય લેખન ઉપરાંત સામાજિક સુધારણાના ક્ષેત્રે પણ તેમનું અવિસ્મરણીય યોગદાન રહ્યું છે. તે સમયના રૂઢિચુસ્ત સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, કુરિવાજો અને સામાજિક અસમાનતાઓ સામે તેમણે નિર્ભયતાથી અવાજ ઉઠાવ્યો હતો. સમાજ સુધારણા માટે તેમણે પોતાના જીવનમાં અનેક પ્રગતિશીલ પગલાં લીધાં હતાં.
લેખન અને પત્રકારત્વના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી તેમણે ‘દાંડિયો’ સામયિક દ્વારા સાહિત્ય અને સમાજ સેવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. ‘પ્રેમનીતિ’, ‘કબીરવડ’, ‘નર્મકોશ’, ‘નડાખ્યાન’, ‘નાગર’, ‘સ્ત્રીઓનાં ગીતો’ સહિતની તેમની કૃતિઓ ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર છે. તેમનું અમર કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત’ આજે પણ ગુજરાતની અસ્મિતા અને ગૌરવનું પ્રતીક બની રહ્યું છે.
આ પ્રસંગે ધરમપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી મયંકભાઈ મોદી, લાઇબ્રેરી ચેરમેન શ્રીમતી દીપમાલાબેન ચોનકર, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી સમીપભાઈ રાંચ, મહેકમ સમિતિના ચેરમેન શ્રીમતી ભક્તિબેન કાપડિયા, લાઇબ્રેરીના સૌથી જુના વરિષ્ઠ સભ્ય તથા અખબારોના ચર્ચાપત્રી શ્રી રાયસિંગભાઈ વળવી, સાહિત્યપ્રેમી શ્રી ફયસલભાઈ બકીલી, શ્રી ભરતભાઈ પાટીલ સહિત લાઇબ્રેરીના સભ્યો, વાચકો અને મોટી સંખ્યામાં યુવા ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાહિત્યપ્રેમી શ્રી ફયસલભાઈ બકીલીએ લાઇબ્રેરીમાં નિયમિત વાંચન માટે આવતા ૧૦૦થી વધુ યુવાનોને વીર નર્મદના જીવન અને તેમના સમાજ સુધારણાના કાર્યો વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજની યુવા પેઢીએ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોના વાંચન સાથે ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યનું પણ નિયમિત વાંચન કરવું જોઈએ. આવા વાંચનથી જ્ઞાન સાથે ભાષા, સંસ્કાર અને સમાજ પ્રત્યેની સમજ પણ વિકસે છે.
આ રીતે ધરમપુરની શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરી ખાતે વીર કવિ નર્મદની ૧૯૩મી જન્મજયંતિની ઉજવણી સાહિત્ય અને સમાજ સુધારણાના તેમના વિચારોને યાદ કરી કરવામાં આવી હતી.



