પ્રિસ્ક્રિપ્શન વગર ટ્રોસ્પાસ પ્લસ કેપ્સ્યુલ વેચતી ગણેશ ફાર્મસી પર દરોડો

પ્રિસ્ક્રિપ્શન વગર ટ્રોસ્પાસ પ્લસ કેપ્સ્યુલ વેચતી ગણેશ ફાર્મસી પર દરોડો
આ બાતમીના આધારે ઈચ્છાપોર પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને સાથે રાખીને મેડિકલ સ્ટોરમાં દરોડો પાડયો હતો
ગુજરાતમાં નશાખોરીનું પ્રમાણ ઘટાડવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પેઈનકિલર દવાનો નશા માટે ઉપયોગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના મોરા ગામમાં આવેલી એક મેડિકલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશા માટે ઉપયોગમાં લેવાતી ટ્રોસ્પાસ પ્લસ કેપ્સ્યુલનું વેચાણ થતું હોવાની બાતમી મળતાં પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત દરોડો પાડયો હતો.
આ કાર્યવાહી દરમિયાન કુલ ૫૬૦ કેપ્સ્યુલ જપ્ત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મોરા ગામના મોટા વાડા વિસ્તારમાં ભટલાઈ રોડ પર આવેલી ગણેશ ફાર્મસીમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે ઈચ્છાપોર પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને સાથે રાખીને મેડિકલ સ્ટોરમાં દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન તપાસ કરતાં ગણેશ ફાર્મસીમાંથી ટ્રોસ્પાસ પ્લસની કુલ ૫૬૦ કેપ્સ્યુલ મળી આવી હતી. આ દવાનો અંદાજિત ભાવ ૪,૫૦૦ હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ દવાનો જથ્થો જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ટ્રોસ્પાસ પ્લસમાં ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ, ડાયસાયક્લોમાઇન હાઇડ્રોક્લોરાઇડ અને એસિટામિનોફેન જેવા ઘટકો હોય છે. તેમાં રહેલું ટ્રામાડોલ પીડા ઘટાડવા માટે વપરાતું દવા-ઘટક છે, જેનો ઉપયોગ તબીબી દેખરેખ હેઠળ થવો જરૂરી છે. તેનો બિનજરૂરી અથવા દુરુપયોગ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
હાલ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જપ્ત કરાયેલી કેપ્સ્યુલ ક્યાંથી ખરીદવામાં આવી હતી અને કોને વેચવામાં આવતી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં નિયમોનો ભંગ સાબિત થશે તો ફાર્મસીના સંચાલક અને લાયસન્સ ધારક સામે કડક કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જરૂર પડયે મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.



