ગુજરાત

વડોદરા જિલ્લાના મોટા ફોફળિયા ના ખેડૂતોને લાંબી લડત પછી સફળતા મળી.

✍🏻 સાધલી | રિપોર્ટર:હસમુખ પટેલ
ગુજરાત સરકારની સૂર્યશક્તિ કિસાન યોજના (SKY) અંતર્ગત છેલ્લા સાત વર્ષથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહેલા વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફળિયા સહિતના અન્ય સ્કાય ફીડરોના અસરગ્રસ્ત ખેડૂતોની લાંબી લડતને મહત્વપૂર્ણ સફળતા મળી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન તથા અનુગામી કાનૂની કાર્યવાહી અને ખેડૂતોની સતત રજૂઆતોના અનુસંધાને ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂર્યશક્તિ કિસાન યોજના અમલમાં આવ્યા બાદ ખેડૂતોને સોલાર સિસ્ટમની કામગીરી, વીજ ઉત્પાદન, વીજચોરી, વોચડોગ ટ્રાન્સફોર્મરની નિષ્ક્રિયતા, સોલાર સિસ્ટમની જાળવણી, કૃષિ વીજ જોડાણો કપાઈ જવા તથા ખેતી માટે જરૂરી વીજ પુરવઠો મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાઓના નિરાકરણ માટે મોટા ફોફળિયાના ખેડૂત પ્રતિનિધિ અશોકભાઈ કનુભાઈ પટેલ દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો વતી છેલ્લા સાત વર્ષથી વીજ કંપનીઓ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને ઊર્જા વિભાગ સમક્ષ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી.
ખેડૂતોના પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ નહીં આવતાં આખરે નામદાર ગુજરાત હાઈકોર્ટનો આશરો લેવામાં આવ્યો હતો. ખેડૂતો વતી વિદ્વાન એડવોકેટ કર્ણ ધોમસે દ્વારા કાનૂની કાર્યવાહી હાથ ધરી ખેડૂતોની મુશ્કેલીઓ તથા તેમની ન્યાયસંગત માંગણીઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂત પ્રતિનિધિ અશોકભાઈ પટેલ દ્વારા પણ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ, ખેતીને થયેલું નુકસાન અને યોજનામાંથી બહાર નીકળવાની જરૂરિયાત અંગે સરકાર સમક્ષ અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી.
નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલી કાર્યવાહી બાદ રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ક્રમાંક EPCD/SKY/CourtCase/20/2025/1121/B1થી મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશમાં સૂર્યશક્તિ કિસાન યોજનામાં જોડાયેલા અને યોજનામાંથી બહાર નીકળવા ઇચ્છતા ખેડૂતો માટે ‘વન ટાઈમ એક્ઝિટ ઓપ્શન’ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે
શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામના ઝાંઝડ ફીડરના સૂર્યશક્તિ કિસાન (SKY) યોજનાના 55 પીડિત ખેડૂતો વન ટાઈમ એક્ઝિટ ઓપ્શન હેઠળ અરજી આપવા શિનોર મધ્ય ગુજરાત વીજ કંપનીની પેટા કચેરીએ પહોંચ્યા હતા. જોકે, ડેપ્યુટી ઈજનેરે કંપનીના નિયત ફોર્મમાં જ અરજી કરવાનો આગ્રહ રાખી ખેડૂતોએ તૈયાર કરેલી અરજીઓ સ્વીકારવાનો લેખિત ઇનકાર કરતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, કંપનીના ફોર્મમાં નવા વીજ ટેરિફમાં જોડાણ તબદીલ કરવાની જોગવાઈ હોવાથી ભવિષ્યમાં આર્થિક નુકસાન થવાની ભીતિ છે. જ્યારે ખેડૂતોની મુખ્ય માંગણી અગાઉના A-1 અને A-2 કૃષિ વીજ ટેરિફમાં જ પુનઃસ્થાપિત કરવાની છે.
છેલ્લા સાત વર્ષથી ચાલતા સંઘર્ષ બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલી કાર્યવાહી અને રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના તા. 30-10-2026ના આદેશથી વન ટાઈમ એક્ઝિટ ઓપ્શન મળ્યો હોવા છતાં સ્થાનિક કક્ષાએ ખેડૂતોની રજૂઆત સ્વીકારવામાં ન આવતાં ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
નામદાર હાઈકોર્ટની કાર્યવાહી તથા રાજ્ય સરકારના આદેશની સ્થાનિક અધિકારીઓ દ્વારા અવગણના થઈ રહી હોવાની ખેડૂતોએ લાગણી વ્યક્ત કરી છે.
ઓછા વરસાદને કારણે સર્જાયેલી દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને વધુ આર્થિક બોજમાં નાખવાને બદલે રાજ્ય સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી જૂના કૃષિ વીજ ટેરિફમાં જોડાણ પુનઃસ્થાપિત કરાવે અને ખેડૂતોને આ અંગે ન્યાય અપાવે, તેવી પીડિત ખેડૂતોએ માંગણી કરી અને જો આ માંગણી સ્વીકારવામા નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે ની ચિમકી ઉચ્ચારી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button