ગુજરાત

સુરતના કોસમાડા ખાતે રૂ.૧૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ‘ઇસ્કોન વરાછા મંદિર’નો ભવ્ય શિલાન્યાસ અને સત્કાર સમારોહ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો

સુરતના કોસમાડા ખાતે રૂ.૧૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ‘ઇસ્કોન વરાછા મંદિર’નો ભવ્ય શિલાન્યાસ અને સત્કાર સમારોહ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો
મુખ્યમંત્રીએ ઇસ્કોન મંદિરની શિલાઓનું પૂજન કર્યું, નરસિંહ યજ્ઞમાં આહૂતિ આપી
શ્રીમદ્ ભગવદ્ ગીતા ૧૮ અધ્યાયો અને ઉમદા જીવનદર્શન દ્વારા માનવ જીવનને નવો રાહ ચીંધે છે: મુખ્યમંત્રીશ્રી
ભક્તિને માત્ર પૂજા સુધી સીમિત ન રાખતા માનવ સેવા અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવા મુખ્યમંત્રીશ્રીનું આહ્વાન
આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન મંદિરના નિર્માણમાં અમૂલ્ય આર્થિક યોગદાન આપનાર રાજસ્વી દાતાશ્રીઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિશેષ સન્માન
સુરતના કોસમાડા ખાતે રૂ. ૧૨૫ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામનાર ભવ્ય ‘ઇસ્કોન વરાછા મંદિર’નો શિલાન્યાસ અને દાતાશ્રીઓનો સત્કાર સમારોહ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ સુરતમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર એવા ઇસ્કોન મંદિરની શિલાઓનું પૂજન કર્યું હતું અને નરસિંહ યજ્ઞમાં આહૂતિ આપી હતી.
કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, રાજ્યસભાના સાંસદશ્રી ગોવિંદભાઈ ધોળકિયાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના વિઝનને અનુસરીને વિકાસ સાથે આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને ક્યારેય વિસરવી ન જોઈએ. દેશની આસ્થાના અદ્વિતીય કેન્દ્ર સમાન રામ મંદિરના નિર્માણથી લઈને આપણા ધાર્મિક વારસાને જીવંત રાખવાનું કાર્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થઈ રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભગવદ્દ કાર્યમાં યોગદાન આપવા અને તેમાં નિમિત્ત બનવાનો અવસર મળવો એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે, અને આવા આયોજનો સમાજમાં દિવ્યતા અને સદ્દભાવના પ્રેરિત કરે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહત્ત્વ પર પ્રકાશ પાડતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણા રોજબરોજના વ્યવહારિક જીવનની મૂંઝવણો અને પડકારો વચ્ચે ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાયો આપણને જીવન જીવવાનો સાચો રાહ ચીંધે છે. પ્રથમ અધ્યાયના ‘અર્જુન વિષાદ યોગ’થી લઈને અંતિમ ‘મોક્ષ સંન્યાસ યોગ’ સુધીના તમામ અધ્યાયો મૂંઝવણથી સમજણ તરફ, નિરાશાથી આત્મવિશ્વાસ તરફ અને નિષ્ક્રિયતાથી કર્તવ્ય તરફ લઈ જવાની પ્રેરણા આપે છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ‘સાંખ્ય યોગ’ આત્મજ્ઞાન, સ્થિર બુદ્ધિ અને કર્તવ્યનું મહત્વ સમજાવે છે. ‘કર્મયોગ’ નિષ્કામ કર્મ જ સાચી સાધના હોવાનું અને ‘જ્ઞાન કર્મ સંન્યાસ યોગ’ જ્ઞાનથી કર્મ પવિત્ર બનવાનું શીખવે છે. જો ગીતાના આ શાશ્વત મૂલ્યો આપણા જીવનમાં ઉતરે તો પરિવાર મજબૂત બને, સમાજમાં સદ્દભાવના વધે અને રાષ્ટ્રના વિકાસને મજબૂત નૈતિક આધાર પ્રાપ્ત થાય છે.
ઇસ્કોન વરાછા મંદિરના શિલાન્યાસની આ શુભ શરૂઆત આધ્યાત્મિકતા અને સામાજિક જવાબદારીનો સુમેળ સાધશે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ સૌ સાથે મળીને ભક્તિને માત્ર પૂજા-પાઠ સુધી સીમિત ન રાખતા તેને માનવ સેવા સાથે જોડવા અને યુવાધનની શક્તિને વ્યસનોથી દૂર રાખી રાષ્ટ્ર નિર્માણના પંથે વાળવા સૌને આહ્વાન કર્યુ
આ સંસ્થા ભવિષ્યમાં આધ્યાત્મિક જ્ઞાન, યુવા સશક્તિકરણ, સાંસ્કૃતિક જાગૃતિ અને માનવ સેવાનું સર્વોત્તમ કેન્દ્ર બનશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રારંભે ઇસ્કોન વરાછાના અધ્યક્ષશ્રી મૂર્તિમાનદાસજીએ સ્વાગત પ્રવચન કરી પૂ.શ્રીલ પ્રભુપાદજીની દિવ્ય પ્રેરણાથી નિર્માણ પામનાર આ મંદિર આધ્યાત્મિકતા, કૃષ્ણ ભક્તિ અને આસ્થાનું દિવ્ય કેન્દ્ર બનશે એમ જણાવી મંદિર નિર્માણની રૂપરેખા આપી હતી.
આ વેળાએ ઇસ્કોન મંદિરના નિર્માણમાં ઉદારમને સહયોગ આપનાર સામાજિક અગ્રણીઓ અને રાજસ્વી દાતાશ્રીઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિશેષ સન્માન કરાયું હતું. આ ઉપરાંત, સમગ્ર એશિયા ખંડમાં યોજાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ પુર્ણેશભાઈ મોદી, ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારી, મેયર શ્રીમતી માયાબેન માવાણી, ઇસ્કોન વરાછાના અધ્યક્ષશ્રી મૂર્તિમાનદાસ, ગુજરાત ઝોન ઇસ્કોન રિજનલ સેક્રેટરી આસિસ્ટન્ટશ્રી હર્ષ ગોવિંદદાસ, ગુજરાત ઝોન બી ઇસ્કોન રિજનલ સેક્રેટરી આસિસ્ટન્ટશ્રી વંશીધારીદાસ, સામાજિક અગ્રણી અને રાજસ્વી દાત્તાશ્રીઓ મુકેશભાઈ પટેલ, જયંતીભાઈ બાબરિયા, વિક્રમભાઈ સોની, વલ્લભભાઈ સવાણી, લવજીભાઈ ડાલિયા, ઈશ્વરભાઈ ધોળકિયા, રાકેશભાઈ દુધાત સહિત ધર્મપ્રેમી ભક્તો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button