વ્યાપાર
અદાણી ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હી ખાતે AVPN વેલકમ ડિનરનું આયોજન

- અદાણી ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હી ખાતે AVPN વેલકમ ડિનરનું આયોજન
- ડૉ. પ્રીતિ અદાણીએ આપ્યો સ્થાયી પરિવર્તન અને પરોપકારનો સંદેશ
નવી દિલ્હી : અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ શાખા અને AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2026ના સ્ટ્રેટેજિક પાર્ટનર ‘અદાણી ફાઉન્ડેશન’ દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે દેશ-વિદેશના લગભગ ૨,૦૦૦ પ્રતિનિધિઓ માટે વેલકમ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક પ્રભાવ માટે એશિયાના સૌથી મોટા પ્લેટફોર્મ ‘AVPN’ની આ ૧૩મી ગ્લોબલ કોન્ફરન્સ પ્રથમ વખત ભારતમાં યોજાઈ રહી છે, જેમાં વિશ્વભરના પરોપકારીઓ, નીતિ-નિર્માતાઓ અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ એક મંચ પર એકત્રિત થયા હતા.
સભાને સંબોધતા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે, “જ્યારે વિશ્વ ભારત અને એશિયા તરફ વિકાસના નવા એન્જિન તરીકે જોઈ રહ્યું છે, ત્યારે વૈશ્વિક પરોપકારી નેતાઓનું સ્વાગત કરવું એ ગૌરવની વાત છે. અદાણી ફાઉન્ડેશનની ૩૦ વર્ષની સફરે અમને શીખવ્યું છે કે સ્થાયી પરિવર્તન સમુદાયોને સશક્ત બનાવવાથી જ આવે છે. સામાજિક પડકારો વધુ જટિલ બની રહ્યા છે, તેથી આપણે એકબીજાના સફળ પ્રયોગોમાંથી શીખીને એવી મજબૂત ભાગીદારી બનાવવી પડશે જે સામાજિક પ્રભાવને છેવાડાના સ્તર સુધી આગળ લઈ જાય.”
આ મહત્વપૂર્ણ વૈશ્વિક સંવાદ અદાણી ફાઉન્ડેશનના લોકકલ્યાણના ૩૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે થઈ રહ્યો છે. ૧૧ ઓગસ્ટ ૧૯૯૬ના રોજ સ્થાપિત ફાઉન્ડેશને શિક્ષણ, આરોગ્ય, આજીવિકા અને પર્યાવરણ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ૨૨ રાજ્યોના ૭,૨૦૦ થી વધુ ગામડાઓમાં પહોંચીને ૧.૩ કરોડથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આણ્યો છે.
શ્રી ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી પરિવારે હેલ્થકેર, કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ શિક્ષણ માટે ૬૦,૦૦૦ કરોડના યોગદાનની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. જે અંતર્ગત ‘અદાણી હેલ્થ સિટીઝ’ની સ્થાપના કરવામાં આવી રહી છે, જેમાં 1,000 બેડની અત્યાધુનિક હોસ્પિટલો, સંશોધન કેન્દ્રો અને મેડિકલ કોલેજો સાથેનું સંકલિત હેલ્થકેર ઇકોસિસ્ટમ હશે. તેનો પ્રથમ તબક્કો મુંબઈ અને અમદાવાદમાં શરૂ થઈ રહ્યો છે, જ્યારે ફાઉન્ડેશન બિહારના પીરપૈંતીમાં 200 બેડની હોસ્પિટલ પણ સ્થાપશે. આ મિશનમાં આઇ-કેર (આંખોની સારવાર), વ્યાવસાયિક કૌશલ્ય અને ઉચ્ચ શિક્ષણ માટે ‘કર્મ શિક્ષા’, ‘અદાણી સક્ષમ’ અને અમદાવાદ સ્થિત ‘અદાણી યુનિવર્સિટી’ જેવી પહેલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફાઉન્ડેશનનો મહિલા ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમ સમગ્ર ભારતમાં 10 લાખથી વધુ મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા તરફ કાર્યરત છે.
આ વૈશ્વિક સંવાદ હોંગકોંગમાં યોજાયેલી AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2025ની એ ચર્ચાને આગળ ધપાવે છે, જ્યાં ડૉ. પ્રીતિ અદાણીએ સમગ્ર એશિયામાં પરોપકારી અનુભવો અને જ્ઞાનને જોડવા માટે ‘યુનિફાઇડ કોલેબોરેશન પ્લેટફોર્મ’ (Unified Collaboration Platform) બનાવવાનું આહ્વાન કર્યું હતું. નવી દિલ્હીમાં તેમનો સંદેશ આ જ વિચારને વધુ મજબૂત બનાવે છે, જેમાં સફળ પદ્ધતિઓ અપનાવી સામાજિક પ્રભાવને વ્યાપક બનાવવાની વાત છે.
અદાણી ફાઉન્ડેશન માટે, AVPN સાથેની આ ભાગીદારી ભારતના પાયાના સ્તરના ત્રણ દાયકાના સમૃદ્ધ અનુભવોને વૈશ્વિક મંચ પર લાવવાની સાથે સમગ્ર એશિયામાંથી નવું શીખવાની શ્રેષ્ઠ તકોનું સર્જન કરે છે.
ડૉ. પ્રીતિ અદાણીએ ઉમેર્યું હતું કે, ભારત જ્યારે ‘વિકસિત ભારત ૨૦૪૭’ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દેશની આ આર્થિક અને સામાજિક પ્રગતિ તેના લોકો અને સ્થાનિક સમુદાયો માટે વધુ બહેતર તકોનું નિર્માણ કરનારી હોવી જોઈએ.



