ગુજરાત

ગણપત યુનિવર્સિટીના આંગણે છ જેટલા અવસરોના આયોજન સાથે લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી !

ગણપત યુનિવર્સિટીના આંગણે છ જેટલા અવસરોના આયોજન સાથે લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી 
” નમો યુવા સંવાદ : મોદી એક વિરાટ વ્યક્તિત્વ ” વિષયે સુખ્યાત સાહિત્યકાર શ્રી ભાગ્યેશ જ્હાના વ્યાખ્યાન ઉપરાંત વૃક્ષારોપણ, રક્તદાન શિબિર, હેકાથોન અને ” દીપ સંકલ્પ”માં 5000 દિવડાઓનું પ્રાગટ્ય પણ યોજાયું.
આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આજરોજ દેશભરમાં ઉજવાઈ રહેલા 76મા જન્મદિવસ નિમિત્તે ગણપત યુનિવર્સિટીના આંગણે પણ આજથી ” સેવા પખવાડા 2026 “નામના ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વિવિધ પ્રકારના છ આયોજનો દ્વારા આજે ગણપત યુનિવર્સિટીએ લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી જેમાં વૃક્ષારોપણ, મેગા વોલેન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ, હેકાથોન, ” નમો યુવા સંવાદ : મોદી એક વિરાટ વ્યક્તિત્વ ” નામનું વ્યાખ્યાન, ફ્રી કોમ્યુનિટી ડાયગ્નોસ્ટિક કેમ્પ ( નિદાન શિબિર )તેમજ 5000 દીવડાઓનું પ્રાગટ્ય – ” દીપ સંકલ્પ “જેવા આયામોનો પણ સમાવેશ થાય છે.
એક વિશેષ વ્યાખ્યાન નમો યુવા સંવાદ : મોદી એક વિરાટ વ્યક્તિત્વ”ના વક્તા તરીકે પધારેલા મહેમાન માનનીય શ્રી ભાગ્યેશ જ્હા ( અધ્યક્ષ : ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય,ગાંધીનગર )ના હસ્તે ગણપત યુનિવર્સિટીના પ્રાંગણમાં પાંગરેલા માઇક્રો ફોરેસ્ટની પાસે ઉછેરવામાં આવી રહેલી “આમ્રકુંજ”ની ધરતી ઉપર જ કેસરના આંબાનો છોડ રોપવામાં આવ્યો હતો. આ અવસરે યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને જોઈન્ટ પ્રેસિડેન્ટ પ્રો. ડો. શ્રી મહેન્દ્ર શર્મા, યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ પ્રો. ડો. શ્રી આર.કે પટેલ અને યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર અને એક્સિક્યુટીવ રજીસ્ટ્રાર શ્રી ગિરીશ પટેલના હાથે પણ એક એક આંબાના વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું . વૃક્ષારોપણના આ સમગ્ર આયોજનનું સંચાલન પ્રો. ડૉ. મૌરવી વસાવડા તેમજ એમની ટીમ દ્વારા સુપેરે કરવામાં આવ્યું હતું.
વિશેષ વ્યાખ્યાન ” નમો યુવા સંવાદ : મોદી – એક વિરાટ વ્યક્તિત્વ “ના પ્રારંભે યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર પ્રો. ડો. શ્રી મહેન્દ્ર શર્માએ પોતાના આવકાર પ્રવચન દ્વારા સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈને સમગ્ર ગુની પરિવાર વતી અભિનંદન પાઠવી રાષ્ટ્રના નવનિર્માણમાં એમના સેવા અને સમર્પણના 25 વર્ષના પ્રદાનની સરાહના સાથે એમની અભિનંદના કરી હતી. અમેરિકાથી ખાસ ઓનલાઇન ઉપસ્થિત રહેલા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ – દાદાએ પણ આ પાવન અવસરની વધામણી રૂપે શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી દેશ માટેની એમની સમર્પિત સેવાને બિરદાવી હતી . શ્રી નરેન્દ્રભાઈ જ્યારે રાજકારણમાં પ્રવેશ્યા જ ન હતા ત્યારે અમેરિકામાં એમને પહેલી વાર મળ્યાના પ્રસંગનું પણ દાદાએ સ્મરણ કર્યું હતું. જાણીતા વક્તા અને સુખ્યાત સાહિત્યકાર શ્રી ભાગ્યેશ જ્હા લિખિત ” નરેન્દ્ર મોદી : એક સર્જક ” નામના પુસ્તકનું સૌ મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિમોચન થયા બાદ મુખ્ય વક્તા અને ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તેમજ પૂર્વ આઈએએસ અધિકારી કવિ શ્રી ભાગ્યેશભાઈ જ્હાએ શ્રી નરેન્દ્રભાઈના વિરાટ વ્યક્તિત્વની વિગતે છણાવટ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
શ્રી નરેન્દ્રભાઈના વ્યક્તિત્વની વિશેષતા રૂપ એવા એમના 25 ગુણોને જુદા જુદા આઠ વિભાગોમાં વહેંચીને શ્રી ભાગ્યેશભાઇએ બહુ પ્રભાવક રીતે રજૂ કર્યા હતા . દુનિયાભરના લોકોએ જેની નોંધ લેવી પડી છે એવા ભારતના સાંસ્કૃતિક પુનઃ જાગરણ થયાના સમયગાળા માટે નો યશ શ્રી નરેન્દ્રભાઈના કવિ તરીકેના સંવેદનશીલ હૃદયની પ્રેરણાને આપતા ભાગ્યેશભાઈએ એમની કવિતા – “આંખ આ ધન્ય છે”નો બહુ ભાવવાહી શૈલીમાં ઉલ્લેખ કર્યો હતો.
અલૌકિક યાદશક્તિ, અસાધારણ વિઝન એટલે કે રણનીતિક વિચારનું અસરકારક અમલીકરણ, કાર્યની ગતિ, સાતત્ય સાથેના પૂજા, અર્ચના, ઉપવાસ, કસરત સાથેની લાઈફ સ્ટાઈલ, સમયબધ્ધતા – ટાઈમ મેનેજમેન્ટ, સજગકતા, સંગઠનાત્મક શક્તિ, ટેકનોલોજીના યોગ્ય વિનયોગની ઊંડી સમજ અને સજ્જતા, પ્રભાવી સંવાદ કૌશલ, ” મન કી બાત” જેવો અસાધારણ વિચાર, સંકટ પ્રબંધન એટલે કે ક્રાયસીસ મેનેજમેન્ટ, મીડિયા મેનેજમેન્ટ, સાંસ્કૃતિક સજ્જતા, ઇન્ડિયા સેન્ટ્રિક પરિવર્તનશીલ નેતૃત્વ જેવા અનેક ગુણોને કારણે આજે શ્રી નરેન્દ્રભાઈનું નેતૃત્વ વૈશ્વિક કક્ષાએ પણ સ્વીકૃત અને સરાહનીય બની રહ્યું છે એવું શ્રી ભાગ્યેશભાઈ સાહેબે ઘણા બધા ઉદાહરણો સાથે સમજાવ્યું હતું . વિશેષ વ્યાખ્યાના આ અવસરનું સંચાલન પ્રો. ડો. શ્રી આનંદ મંકોડીયાએ કર્યું હતું . ગણપત યુનિવર્સિટીની હોમિયોપેથિક હોસ્પિટલ અને કોલેજના નેજા હેઠળ યોજાયેલા રક્તદાન શિબિરમાં 575 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું તો 850 જેટલા લોકોએ ફ્રી નિદાન શિબિરનો પણ લાભ લીધો હતો.
આ હેલ્થ પ્રોગ્રામનું સફળ આયોજન કરવાનો યશ યુનિવર્સિટીના આસિ. રજિસ્ટ્રાર શ્રી અમિત પટેલે કર્યું હતું..
આખ્ખા દિવસ દરમિયાનની વિવિધ ઉજવણીઓના સમાપન અવસરે સાંજે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર 5000 દીવડાઓના પ્રાગટ્ય સાથે ” દીપ સંકલ્પ “ની ઉજવણી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button