વ્યાપાર
પાંચ વર્ષ બાદ ટાયર પંક્ચરના દરોમાં થયો વધારો

- પાંચ વર્ષ બાદ ટાયર પંક્ચરના દરોમાં થયો વધારો
- વધતી મોંઘવારી, કાચા માલ અને મજૂરીના ખર્ચને પગલે ટાયર વર્કર્સ વેન્ડર એસોસિએશનનો નિર્ણય; નવા દરો લેવામાં આવી રહ્યા છે
- સુરત! શહેરમાં સતત વધી રહેલી મોંઘવારી, ટાયર-ટ્યુબ સહિતના કાચા માલના ભાવમાં થયેલા વધારા તેમજ કામદારોના વેતનમાં નોંધપાત્ર વૃદ્ધિને ધ્યાનમાં રાખીને ટાયર વર્કર્સ વેન્ડર એસોસિએશન, સુરતે ટાયર પંક્ચરની સેવાઓના દરોમાં સુધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે. એસોસિએશનના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી પંક્ચરની સેવાઓના દરોમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાથી હજારો કારીગરો પર આર્થિક બોજ વધી રહ્યો હતો.
- આ અંગે એસોસિએશનની એક્ઝિક્યુટિવ સમિતિની બેઠક તા. 12 જૂન, 2026ના રોજ યોજાઈ હતી. બેઠકમાં પ્રમુખ ગિરીશકુમાર, સેક્રેટરી બેબી ચકપાણી, ખજાનચી સંજય સહિત એક્ઝિક્યુટિવ સમિતિના સભ્યોએ વર્તમાન આર્થિક પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકમાં કાચા માલ, સાધનસામગ્રી, મજૂરી અને દૈનિક સંચાલન ખર્ચમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને પંક્ચરના દરોમાં સુધારો કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો.
- આ નિર્ણય અંગે બુધવારે 5 ઓગસ્ટના રોજ ડભોલી વિસ્તારમાં એસોસિએશન દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દેશમાં લગભગ તમામ ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ટાયર-ટ્યુબ, રિપેરિંગ મટિરિયલ, અન્ય કાચા માલ, મજૂરી અને દૈનિક ખર્ચમાં સતત વધારો થયો હોવા છતાં પંક્ચરની સેવાઓના દરો યથાવત રાખવામાં આવ્યા હતા, જેના કારણે વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળતું નહોતું.
- એસોસિએશને વધુમાં જણાવ્યું હતું કે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત, ઝડપી અને વિશ્વસનીય સેવા સતત મળી રહે તે માટે દરોમાં સુધારો કરવો સમયની માંગ બની ગયો છે. નવા દરોની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. સાથે જ શહેરના વાહનચાલકો અને ગ્રાહકોને આ નિર્ણયને સમજી સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી છે.આથી નવાં દરો લેવામાં આવી રહ્યા છે



