
ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીઓને પગલે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. અગાઉ 6 નવેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ હવે સુરત અને વડોદરાની બેંકોને નિશાન બનાવવામાં આવી છે. બેંક ઓફ બરોડા (BOB) અને બેંક ઓફ ઈન્ડિયા (BOI)ની શાખાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. બંને શહેરોમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે.
સુરતના ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાને ધમકી
સુરતના પોશ અને સતત અવરજવર ધરાવતા ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખાને અજાણ્યા શખ્સ દ્વારા ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. બેંકના સત્તાવાર ઈમેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી મળતાં બેંકના અધિકારીઓ અને કર્મચારીઓમાં ચિંતા ફેલાઈ હતી.
ઈમેલ મળતાં જ બેંક સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી.
સુરક્ષાના ભાગરૂપે બેંકમાં હાજર કર્મચારીઓ અને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ સુરક્ષા ટીમોએ બેંકના સમગ્ર પરિસરની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી હતી.
વડોદરાની બે બેંકોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા
બીજી તરફ વડોદરા શહેરમાં પણ બે અલગ-અલગ બેંક શાખાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. શહેરના રાવપુરા રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયા અને સયાજીગંજ વિસ્તારમાં સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી બેંક ઓફ બરોડાને ધમકી આપવામાં આવી હતી.
રાવપુરા રોડ સ્થિત બેંક ઓફ ઈન્ડિયાની શાખાને અજાણ્યા ઈમેલ આઈડી પરથી ધમકી મળતાં બેંકના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. સાવચેતીના પગલાંરૂપે ગ્રાહકોની અવરજવર બંધ કરાવવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
સયાજીગંજની સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખાને પણ Gmail એકાઉન્ટ પર ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. બેંકના મેનેજર એસ.કે. ત્યાગીના જણાવ્યા મુજબ, અજાણ્યા શખ્સે ઈમેલ મારફતે સમગ્ર બેંક સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપી હતી.
આ અંગે તાત્કાલિક સયાજીગંજ પોલીસ સ્ટેશન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમો બંને સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
સાયબર ક્રાઈમ દ્વારા ઈમેલ મોકલનારની શોધખોળ
સુરત અને વડોદરાની બેંકોને મળેલી ધમકીઓને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકીભર્યા ઈમેલ પાછળ કોણ છે અને કયા હેતુથી આ પ્રકારના મેસેજ મોકલવામાં આવ્યા છે તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે.
સાયબર ક્રાઈમની મદદથી ઈમેલના ટેકનિકલ પાસાઓ અને મોકલનારની ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ બંને શહેરોમાં બેંક પરિસરની સુરક્ષા અને તપાસને પ્રાથમિકતા આપવામાં આવી છે.
એક બાદ એક સરકારી કચેરીઓ અને બેંકોને મળી રહેલી બોમ્બની ધમકીઓથી ગુજરાતમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. જોકે, આ ધમકીઓ અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ તેની સત્યતા અને પાછળના કારણો સ્પષ્ટ થશે.



