ગુજરાત

સુરતમાં દિવાળીની ઉજવણી બની જોખમી: ફટાકડા ફોડતી વખતે 20થી વધુ લોકો દાઝ્યા

સુરત શહેરમાં દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવાની બેદરકારી અનેક લોકો માટે મુશ્કેલીનું કારણ બની છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફટાકડાના કારણે સર્જાયેલા અકસ્માતોમાં માસૂમ બાળકો અને વૃદ્ધો સહિત 20થી વધુ લોકો દાઝી ગયા હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સચિન, કતારગામ અને મોટા વરાછામાં અકસ્માતોની ઘટનાઓ
શહેરના સચિન, કતારગામ અને મોટા વરાછા સહિતના વિસ્તારોમાં ફટાકડા ફોડતી વખતે અકસ્માતો સર્જાયા હતા. ક્યાંક હાથમાં જ ફટાકડા ફૂટી જતાં લોકો દાઝ્યા હતા, તો ક્યાંક ફટાકડાના તણખા અને ધડાકાની ઝપેટમાં આસપાસ ઊભેલા લોકો પણ આવી ગયા હતા. આ ઘટનાઓમાં બાળકો અને વૃદ્ધોને પણ ઇજાઓ પહોંચી હતી.
સિવિલ અને સ્મીમેરમાં 20 જેટલા દર્દીઓ સારવાર હેઠળ
અકસમાતમાં દાઝી ગયેલા લોકોને સારવાર માટે શહેરની બે મુખ્ય સરકારી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં આશરે 10 અને સ્મીમેર હોસ્પિટલમાં પણ આશરે 10 દર્દીઓને ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. તબીબો દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. ગંભીર રીતે દાઝેલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી બર્ન્સ વોર્ડમાં વિશેષ સારવાર આપવામાં આવી રહી છે.
બાળકોની સુરક્ષા માટે વાલીઓએ રાખવી ખાસ તકેદારી
દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાઓ વાલીઓ અને સોસાયટીના રહીશો માટે ચેતવણી સમાન છે. બાળકો ફટાકડા ફોડે ત્યારે તેમની સાથે વડીલોની હાજરી અત્યંત જરૂરી છે. ફટાકડા હંમેશાં ખુલ્લી જગ્યામાં અને સુરક્ષિત અંતર રાખીને ફોડવા જોઈએ. સાથે જ નજીકમાં પાણી અને રેતીની વ્યવસ્થા રાખવી જોઈએ.
થોડીક ક્ષણોની બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. તેથી તહેવારની ખુશીઓ જળવાઈ રહે અને કોઈ પરિવાર પર દુઃખનો પહાડ ન તૂટી પડે તે માટે સૌએ ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button