ગુજરાત

લાજપોર જેલમાં આજીવન કેદ ભોગવતા નારાયણ સાંઈને દાંતનો દુખાવો ઉપડતા કડક જાપ્તા વચ્ચે સિવિલ હોસ્પિટલ લવાયો

દુષ્કર્મના ચકચારી કેસમાં સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા નારાયણ સાંઈની તબિયત અચાનક લથડતાં તેને તાકીદે સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. નારાયણ સાંઈને દાંતમાં અસહ્ય દુખાવો ઉપડતાં જેલ પ્રશાસન દ્વારા તબીબી તપાસ માટે તેને બહાર લાવવાનો નિર્ણય કરાયો હતો. કેદી તરીકે બંધ નારાયણ સાંઈને લાવવામાં આવતાં પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર કેમ્પસમાં ચુસ્ત પોલીસ જાપ્તો ગોઠવી દેવાયો હતો.

​લાજપોર જેલના પોલીસ કાફલા તેમજ સ્થાનિક પોલીસના બંદોબસ્ત વચ્ચે નારાયણ સાંઈને સીધો ડેન્ટલ વિભાગમાં લઈ જવાયો હતો. પોલીસ કાફલા અને અધિકારીઓની હાજરીના પગલે થોડા સમય માટે હોસ્પિટલ કેમ્પસમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ડેન્ટલ વિભાગના નિષ્ણાત તબીબો દ્વારા તેના જડબા અને દાંતનું વિસ્તૃત પરીક્ષણ કરી એક્સ-રે સહિતના જરૂરી રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા.

એક સમયે આલીશાન મહેલ જેવા આશ્રમોમાં વૈભવી જીવનશૈલી જીવતો નારાયણ સાંઈ જેલના સળિયા પાછળ બીમારીઓથી ઘેરાઈ ગયો છે. જેલ પ્રશાસનના સૂત્રો મુજબ, અગાઉ પણ તેને કમરનો દુખાવો તેમજ હાડકાના ગંભીર દર્દની સમસ્યા થઈ હતી. આ ઉપરાંત તે અવારનવાર દાંત તેમજ જડબાના દુખાવાની ફરિયાદ કરતો રહે છે. જેલની અંદર પ્રાથમિક સારવાર અપાયા બાદ પરિસ્થિતિ ગંભીર જણાતાં સમયાંતરે તેને સિવિલમાં લાવવો પડે છે. હોસ્પિટલમાં જરૂરી તબીબી સારવાર પૂર્ણ થયા બાદ તેને ફરી કડક પોલીસ જાપ્તા હેઠળ લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button