ગુજરાત

સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ 11 કલાકની જહેમત બાદ કાબૂમાં, 10થી વધુ ફાયર ફાઇટરોએ સંભાળ્યો મોરચો

સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ 11 કલાકની જહેમત બાદ કાબૂમાં, 10થી વધુ ફાયર ફાઇટરોએ સંભાળ્યો મોરચો
સુરતના ખજોદ ખાતે આવેલી મહાનગરપાલિકાની કચરા નિકાલ સાઇટ પર લાગેલી ભીષણ આગને આખરે 11 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે કાબૂમાં લીધી હતી. કચરાના વિશાળ ઢગલામાં આગ પ્રસરી જતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 10થી વધુ ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે દોડાવવામાં આવ્યા હતા.
આગ કચરાના ઢગલાની અંદર સુધી પ્રસરી ગઈ હોવાની આશંકાને પગલે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવવાની સાથે જેસીબી મશીનની મદદથી કચરો ઉલેચવાની કામગીરી પણ હાથ ધરી હતી. અંદરના ભાગમાં પાણીનો છંટકાવ કરીને આગ ફરીથી ભભૂકી ન ઊઠે તે માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
ઉલ્લેખનીય છે કે ખજોદ ડમ્પિંગ સાઇટ અગાઉ પણ આગની ઘટનાઓને લઈને વિવાદમાં રહી છે. માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં અહીં બે વખત આગ લાગી ચૂકી હતી. ત્યારે ફરી એકવાર ભીષણ આગની ઘટના બનતાં સાઇટની સુરક્ષા વ્યવસ્થા અને કચરાના વૈજ્ઞાનિક નિકાલની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
ખાસ વાત એ છે કે આ વખતે આગમાં હોટફિક્સનો કચરો સળગ્યો હોવાની વિગતો સામે આવી છે. ઔદ્યોગિક અને જોખમી ગણાતો કચરો પાલિકાની સામાન્ય કચરા નિકાલ સાઇટ સુધી કેવી રીતે પહોંચ્યો અને તેને ત્યાં કોણે ઠાલવ્યો તે અંગે તપાસની માગ ઊઠી છે.
બીજી તરફ, ખજોદ કચરા નિકાલ પ્રોજેક્ટમાં અગાઉ કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપો થયા હતા. સુરતના રોજિંદા આશરે 2500 મેટ્રિક ટન કચરાના નિકાલની જવાબદારી સંભાળતી એજન્સી સામે કચરો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે અન્ય સ્થળે ઠાલવવાના આક્ષેપો થયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.
વારંવાર આગ લાગવાની ઘટનાઓના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના આરોગ્ય સામે પણ ચિંતા વધી છે. કચરો સળગવાથી નીકળતા ધુમાડાના કારણે હવાની ગુણવત્તા ખરાબ થવાની અને પ્રદૂષણ વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
11 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હોવા છતાં ખજોદ સાઇટ પર કચરાના નિકાલની પદ્ધતિ, જોખમી કચરાની આવક અને આગની ઘટનાઓ રોકવા માટેની કાયમી વ્યવસ્થા અંગે અનેક સવાલો યથાવત્ છે.
0000

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button