સુરતની સરકારી પ્રા. શાળાના શિક્ષક ડો. પુરણ ગોંડલિયાનું રોટરી ક્લબ દ્વારા ‘નેશન બિલ્ડર એવોર્ડ’થી સન્માન

સુરતની સરકારી પ્રા. શાળાના શિક્ષક ડો. પુરણ ગોંડલિયાનું રોટરી ક્લબ દ્વારા ‘નેશન બિલ્ડર એવોર્ડ’થી સન્માન
રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ‘ગુરુ વંદના 4.0’ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન
સુરત : શિક્ષક દિન નિમિત્તે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા આયોજિત ‘ગુરુ વંદના 4.0’ કાર્યક્રમ અંતર્ગત સુરતના અમરોલી-ગણેશપુરા વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નં. 232ના શિક્ષક ડો. પુરણ ગોંડલીયાનું શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને નવીન કામગીરી બદલ ‘નેશન બિલ્ડર એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ શ્રી પરેશભાઈ ગોંડલીયા, સેક્રેટરી શ્રી રસિકભાઈ સાવલિયા સહિત રોટરી ક્લબના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જાણીતા શિક્ષણવિદ્ શ્રી કાનજીભાઈ ભાલાળા તથા હરેકૃષ્ણ શાસ્ત્રી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી શિક્ષકોને પ્રસંગોચિત માર્ગદર્શન આપી તેમની સેવાઓને બિરદાવી હતી.
વક્તાઓએ બદલાતા સમય સાથે શિક્ષણ ક્ષેત્રે પણ સતત પરિવર્તન સ્વીકારીને નવી ટેકનોલોજી, નવી પદ્ધતિઓ અને નવા જ્ઞાન સાથે અપડેટ થવું આજના શિક્ષકો માટે અત્યંત જરૂરી છે, તે બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો.
રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે સારું અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે પણ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. દર શનિવારે એક કર્મનિષ્ઠ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકની પસંદગી કરી તેમની શાળામાં જઈને સન્માન કરવાની અનોખી પહેલ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે ‘ગુરુ વંદના’ એવોર્ડ અંતર્ગત પસંદગીના શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.
ડો. પુરણ ગોંડલીયા શિક્ષણ ક્ષેત્રે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી વિવિધ સન્માનો મેળવી ચૂક્યા છે. તેઓ પરંપરાગત વર્ગખંડ શિક્ષણની સાથે ડિજિટલ માધ્યમનો પણ વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા અને ખાસ કરીને યુટ્યુબના માધ્યમથી તેઓ લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી શૈક્ષણિક માહિતી સરળ ભાષામાં પહોંચાડી રહ્યા છે. તેમની યુટ્યુબ ચેનલ પર હાલમાં 7 લાખ 90 હજાર સબ્સ્ક્રાઇબર્સ જોડાયેલા છે.
હાલના એ. આઈ. ના યુગમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો અને સામાન્ય લોકોએ પોતાના રોજિંદા જીવનમાં એ. આઈ.નો ઉપયોગ કેવી રીતે કરવો?એમના વિશે પણ ગુજરાતી ભાષામાં સરળ પ્રેક્ટીકલ વિડીયો એમની ચેનલમાં એમણે મુક્યા છે.
રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ડો. પુરણ ગોંડલીયાને ‘નેશન બિલ્ડર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવતા શિક્ષણ જગત અને તેમના સહકર્મીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.



