શિક્ષા

માતુ શ્રી કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ધરમપુરની ૪ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘વૈચારિક ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન’ પરિસંવાદ યોજાયા

માતુ શ્રી કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ધરમપુરની ૪ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘વૈચારિક ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન’ પરિસંવાદ યોજાયા
શ્રીકૃષ્ણનું જીવન મુશ્કેલીઓ વચ્ચે પણ આનંદથી જીવવાની કળા શીખવે છે – રાજેશકુમાર ધામેલિયા
જન્માષ્ટમીના પાવન પર્વે વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ,૧૭૦૦થી વધારે વિદ્યાર્થીઓ સહભાગી થયા
ધરમપુર : માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેશનાં ૧૭ રાજ્યોમાં શાળા ભવનોના નિર્માણનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટીના ૩૫૧ શાળા ભવનો નિર્માણ કરવાના શુભ સંકલ્પ પૈકી ૨૬૫ ભવનોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ૫૦ જેટલાં ભવનોનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. શાળા નિર્માણ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા વૈચારિક ક્રાંતિ અભિયાન, કુપોષણ મુક્તિ અભિયાન અને શિક્ષા સાથી અભિયાન જેવાં સામાજિક ઉત્થાનના કાર્યો પણ સતત થઈ રહ્યાં છે.
આ જ ‘વૈચારિક ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન’ અભિયાન અંતર્ગત જન્માષ્ટમીના પાવન પર્વે ધરમપુર વિસ્તારની ચાર શૈક્ષણિક સંસ્થાઓ : અતુલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોકેશનલ એક્સેલન્સ (ઓઝરપાડા), પીએમશ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા (ઓઝરપાડા), કન્યા સાક્ષરતા નિવાસી શાળા (કરચોંડ) અને પીએમશ્રી એકલવ્ય આદર્શ નિવાસી શાળા (માલનપાડા, બાવળી ફળિયા) ખાતે વિદ્યાર્થીઓ માટે પરિસંવાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે અતુલ ઇન્સ્ટિટ્યૂટના આચાર્ય શ્રી પ્રતાપભાઈ પરમારે સૌનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કર્મયોગી શ્રી અશોકભાઈ અણઘણે સુમધુર પ્રાર્થના રજૂ કરી હતી. કાર્યક્રમના સંકલનકર્તા કર્મયોગી શ્રી લક્ષ્મણભાઈ મોરડિયાએ વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત અને મૂલ્યનિષ્ઠ જીવન જીવવા અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે કર્મયોગી શ્રી ભરતભાઈ સાવલિયા અને શ્રી ભદ્રેશભાઈ સાવલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પરિસંવાદના મુખ્ય વક્તા શ્રી રાજેશકુમાર ધામેલિયાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “શ્રીકૃષ્ણ ભગવાને આપણને તમામ પરિસ્થિતિઓ વચ્ચે આનંદથી જીવવાનો માર્ગ બતાવ્યો છે. તેમનું જીવન નૂતન વિચારો અને પરિવર્તનનું પ્રતીક છે. તેઓ તમામ રૂઢિચુસ્ત પરંપરાઓનું આંધળું અનુકરણ કરવાને બદલે જે હેતુપૂર્ણ અને ઉપયોગી હોય તેને જ પ્રાધાન્ય આપતા, જેમ કે તેમણે ઇન્દ્રપૂજા જેવી જૂની રૂઢિનો અસ્વીકાર કર્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણનું જીવન આપણને દરરોજ નવા અને પ્રેરક વિચારો અપનાવવાની પ્રેરણા આપે છે.”
આ પરિસંવાદમાં ધોરણ ૬ થી ૧૨ અને કૉલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓની વયકક્ષાને અનુરૂપ રસપ્રદ પ્રવૃત્તિઓ અને પ્રશ્નોત્તરી યોજવામાં આવી હતી. પ્રેરણાદાયી પ્રશ્નો પૂછનાર તેમજ સાચા ઉત્તર આપનાર ઉત્સાહી વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, “આજે અમને ગમ્મત સાથે ઘણું નવું જાણવા અને શીખવા મળ્યું છે. આજે સાંભળેલી બાબતોને અમે જીવનમાં ઉતારીશું, કુરિવાજોથી દૂર રહીશું અને વ્યસનમુક્ત સમાજના નિર્માણમાં ભાગીદાર બનીશું.”
વિદ્યાર્થીઓને જીવન ઘડતરનું ભાથું પ્રાપ્ત થાય તેવો પ્રેરક કાર્યક્રમ યોજવા બદલ ચારેય શૈક્ષણિક સંસ્થાના સંચાલકશ્રીઓએ માતુ શ્રી કાશીબા ગોટી ટ્રસ્ટનો તેમજ કર્મયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button