ખબર કા અસર – સાધલી આઉટ પોસ્ટ પોલીસ ચોકી પાસે થયેલ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરી રાતોરાત કાચી ફેન્સિંગ કરી રસ્તો બંધ કરાયો
ખબર કા અસર – સાધલી આઉટ પોસ્ટ પોલીસ ચોકી પાસે થયેલ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરી રાતોરાત કાચી ફેન્સિંગ કરી રસ્તો બંધ કરાયો
શિનોર તાલુકાના સાધલી મુકામે ચાર વર્ષ પહેલા આઉટ પોસ્ટ પોલીસ ચોકી અને ક્વાર્ટર્સ જર્જરિત થવાથી તોડી પાડ્યા હતા અને આ ખુલ્લી જગ્યા ઉપર ગ્રામજનો કચરો નાખી ગંદકી ફેલાવતા હતા અને બિન અધિકૃત પાર્કિંગ બન્યું હતું, તેના ગુજ્જુ રિપોર્ટરમાં સમાચારો ચમકતાં શિનોર પોલીસે રાતોરાત કાચી ફેન્સીંગ કરીને મુખ્ય રસ્તાથી અંદર જવાનો રસ્તો બંધ કરેલ છે. અને કેમ્પસ નો કચરો સળગાવીને જગ્યા ચોખ્ખી રાખવાનો પ્રયત્ન કરે છે.
સાધલી મુકામે મુખ્ય રસ્તા પાસે સાધલી આઉટ પોસ્ટ પોલીસ ચોકી અને સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત થવાથી ચાર વર્ષ પહેલા તોડી પાડવામાં આવેલ હતા અને જગ્યા સમતલ ખુલ્લી કરવામાં આવી હતી અને આઉટ પોસ્ટ પોલીસ ચોકી બજાર સમિતિના મેળા ઉપર શિફ્ટ કરવામાં આવી હતી જે તે સમયે બજાર સમિતિએ આ પોલીસ ચોકીને રૂમો ભાડેથી આપેલ હતી. આ શિનોર પોલીસ ચોકીની ખુલ્લી જગ્યા ઉપર સાધલીના ગ્રામજનો કચરો નાખીને ગંદકી કરતા હતા તથા સાધલી થી બહાર નોકરી જતા કર્મચારીઓ પોતાની બાઇકો આ ખુલ્લી જગ્યામાં મૂકીને બિનઅધિકૃત પાર્કિંગ કરતા હતા, તે અંગેના સમાચારો વર્તમાન પત્રોમાં ચમકતાં શિનોર પોલીસમાં પ્રાણ આવ્યો. અને આશરે ચાર વર્ષ પછી શિનોર પોલીસની આ જગ્યા ઉપર રાતો રાત કાચી ફેન્સીંગ કરીને મુખ્ય રસ્તાથી અંદર જવાના રસ્તા બંધ કરવામાં આવ્યા હતા અને કેમ્પસમાં પડેલ તમામ કચરો સાફ સુફ કરી સળગાવીને આ જગ્યા ચોખ્ખી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
શિનોર બજાર સમિતિ દ્વારા સાધલી આઉટપોસ્ટ ને ભાડેથી જગ્યા આપી હતી, છતાં પણ ત્રણ વર્ષ સુધી કોઈ પણ પ્રકારનું ભાડું બજાર સમિતિને પોલીસ દ્વારા આપવામાં આવેલ નથી. અને હાલમાં બજાર સમિતિને આઉટપોસ્ટ પોલીસ ચોકી વાળી જગ્યા ઉપર અન્ય બાંધકામ કરવાનું હોવાથી લેખિતમાં આ જગ્યા ખાલી કરવા માટે શિનોર પોલીસને જાણ કરી હતી તથા સાધલી આઉટપોસ્ટ જમાદારને વારંવાર મૌખિક જાણ કરવામાં આવેલ હતી. જેના કારણે રાતોરાત કરોડો રૂપિયાની પોલીસને પોતાની જમીન યાદ આવી હતી અને તે સાફ સુફ કરાવી કાચી ફેન્સીંગ કરવામાં આવી હતી. પોલીસ ચોકીના લાઈટના મીટર નું બિલ રેગ્યુલર ભરાય છે ,પરંતુ આ લાઈટનું મીટર વીજ કંપનીના વીજ થાંભલા ઉપર જાહેરમાં ખુલ્લુ મુકાયેલ છે. આમ લોકશાહીના ચોથા સ્થંભ ની અસર થવાથી શિનોર પોલીસ ચાર વર્ષ પછી પોતાની માલિકીની કરોડો રૂપિયાની જમીન માટે જાગૃત બનેલ છે. હવે મુખ્ય રસ્તા ના બદલે પાછળના રસ્તેથી અંદર જવાનું હાલ ખુલ્લું છે.