સુરતની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 24 મજૂરો દાઝયા

સુરતની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 24 મજૂરો દાઝયા
સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી છે. આગના પગલે સ્ટાફમાં દોડધામ મચી છે. ઘટનાની જાણ થતાં ફાયરની ત્રણથી વધુ ગાડી દોડી ગઈ છે. ફાયરના જવાનો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આગમાં 24 કામદારો દાઝ્યા છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગત રાત્રે 2 વાગ્યે કોઈ કારણોસર આગ લાગી હતી. આથી કંપનીમાં કામ કરતા કામદારો અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનો ફાયર ફાઈટરો સાથે પહોંચ્યા હતા. રાતથી ફાયરના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
પ્રત્યક્ષદર્શી શ્રવણ મુખ્યાએ જણાવ્યું હતું કે, રાત્રિના સમયે અમે ઘણા બધા કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. નિયમિત જે કામ હોય છે તે કામ અમારું ચાલુ હતું. આ દરમિયાન એકાએક બ્લાસ્ટ થયો હતો અને અમે ભાગવાનું શરૂ કરી દીધું હતું. ઘણા બધા લોકો બ્લાસ્ટના કારણે દાઝી ગયા હતા. હું જ્યારે બહાર દોડીને આવ્યો ત્યારે કેટલાક ઈજાગ્રસ્તો હતા તેમને લઈને એપલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્રણ જેટલા કામદારોને અહીં લાવવામાં આવ્યા છે. તેમજ અન્ય કેટલાક કામદારોને સચિનની ખાનગી હોસ્પિટલમાં તેમજ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.