ડીંડોલીમાં 500 મીટરનો રોડ વચોવચથી બેસી જતાં તંત્રના ભ્રષ્ટાચારની તિરાડો દેખાઈ

ડીંડોલીમાં 500 મીટરનો રોડ વચોવચથી બેસી જતાં તંત્રના ભ્રષ્ટાચારની તિરાડો દેખાઈ
શહેરમાં હજુ વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી, ત્યાં જ સુરત મહાનગરપાલિકાના ‘સ્માર્ટ સિટી’ના દાવાઓ અને હલકી કક્ષાના રોડ કામની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના ન્યૂ ડીંડોલી તરફ જવાના મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહેલું ડમ્પર અચાનક રોડ બેસી જવાને કારણે તેની વચ્ચે જ ખૂંપી ગયું હતું. અંદાજીત 500 મીટર સુધીનો રોડ વચોવચથી બેસી જતાં ભારે ચકચાર મચી ગઈ છે. રસ્તા પર જાણે મોટો ભૂકંપ આવ્યો હોય તેવી વિશાળ તિરાડો જોવા મળી રહી છે.
આ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો ભોગ એક ભારેભરખમ ડમ્પર બન્યું હતું. આ માર્ગ પરથી પસાર થઈ રહેલું ડમ્પર અચાનક રોડ બેસી જવાને કારણે તેની વચ્ચે જ ખૂંપી ગયું હતું. ડમ્પર ફસાઈ જતાં રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી, જે એક મોટી રાહતની વાત છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ રોડ થોડા સમય પહેલાં જ કરોડોના ખર્ચે નવો બનાવવામાં આવ્યો હતો. હજુ તો તેના પર ચોમાસાની કસોટી થવાની બાકી છે, તે પહેલાં જ રસ્તાના આવા હાલ થતાં પાલિકાના હલકી કક્ષાના મટીરિયલ અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વરસાદ વિના જ જો મુખ્ય માર્ગો બિસ્માર બનતા હોય, તો ધોધમાર વરસાદમાં શહેરની સ્થિતિ કેવી થશે?



