સિંગણપોરમાં મંજૂરી વિના ચાલતું દુકાન અને પતરાના શેડનું બાંધકામ પાલિકાએ તોડી પાડ્યું

સિંગણપોરમાં મંજૂરી વિના ચાલતું દુકાન અને પતરાના શેડનું બાંધકામ પાલિકાએ તોડી પાડ્યું
સુરત મહાનગરપાલિકાના નોર્થઝોન (કતારગામ) વિભાગ દ્વારા સિંગણપોર વિસ્તારમાં ચાલી રહેલા એક મોટા બિનઅધિકૃત બાંધકામ પર કાયદાનો સિંકોજો કસવામાં આવ્યો છે. સિંગણપોર ગામમાં આવેલી કૃપા રેસીડેન્સીના ફ્લેટ નંબર ૧૦૪ (પ્રિ.ટી.પી.સ્કીમ નં. ૨૫, ફાઇનલ પ્લોટ નં. ૧૫) વાળી મિલકતમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, આ મિલકત ધારકે પાલિકાની કોઈ પણ મંજૂરી મેળવ્યા વિના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન તેમજ પ્રથમ માળ ઉપર લોખંડના એંગલ નાખી પતરાના શેડનું ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી દીધું હતું. આ બાબત ધ્યાન પર આવતા જ કતારગામ ઝોનની ટીમે ગત ૨૨ મે ૨૦૨૬ના રોજ ધી બી.પી.એમ.સી. એક્ટની કલમ ૨૬૭ મુજબ બાંધકામ અટકાવવાનો મનાઈ હુકમ અને કલમ ૨૬૦(૧)(અ) હેઠળ કારણ દર્શક નોટિસ ફટકારી હતી.
નોટિસ આપ્યા બાદ પણ સંતોષકારક ખુલાસો ન મળતા, પાલિકાની ડિમોલિશન ટીમે ૨ જૂન ૨૦૨૬ના રોજ સ્થળ પર કડક કાર્યવાહી હાથ ધરી હતી. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડી કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આ સાથે જ મિલકત ધારક પાસેથી વહીવટી ચાર્જ પેટે કુલ ₹૫,૦૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ડિમોલિશન દરમિયાન જપ્ત કરાયેલા લોખંડના એંગલ અને પતરાના શેડ નિયમોનુસાર દંડની વસૂલાત બાદ પરત કરવામાં આવ્યા હતા. પાલિકાની આ આકરી કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.



