6 ઓકટોબર-વિશ્વ સ્મિત દિવસ
6 ઓકટોબર-વિશ્વ સ્મિત દિવસ
દિલ કી ગહેરાઈમાં ગમ ક્યા છુપાના, ચાર દિન કી જિંદગી હૈ સદા મુસ્કુરાના
દર વર્ષે ઓકટોબર મહિનાના પહેલા શુક્રવારે “વિશ્વ સ્મિત દિવસ” ઉજવવામાં આવે છે. હસવું ફક્ત એક ભાવ જ નથી, પરંતુ અનેક સમસ્યાનું સમાધાન પણ છે. હસવાથી વ્યક્તિ લાંબા સમય સુધી સ્વસ્થ અને યુવાન રહી શકે છે. જયારે કોઈ પણ વ્યક્તિ હસે છે ત્યારે તેના ચહેરા પરનો ખીલખીલાટ જ એનાં સુઘડ સ્વાસ્થ્યની ચાડી ખાઈ જતું હોય છે. લોકોના ચહેરા પર હાસ્ય લાવવા માટે અનેક પ્રકારના કોમેડી શો અને ફિલ્મો બનાવવામાં આવે છે. તે મનોરંજનની સાથે વ્યક્તિને તણાવથી પણ દૂર રાખે છે. ફિલ્મો ઉપરાંત હાસ્ય પર અનેક ગીતો પણ બની ચુક્યા છે. મહાન અભિનેતા રાજ કપૂરે પણ પોતાની ફિલ્મ ‘અનારી’માં ‘કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર’ ગીત ગાઈને લોકોને હસવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જીવનની સ્થિતિ ગમે તે હોય, પરંતુ જિંદગીમાં હાસ્યનું એક અલગ જ મહત્ત્વ હોય છે. હસવાથી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકાય છે. જે પરિવારમાં ખુશી અને હાસ્યનો માહોલ હોય ત્યાં બધું સારું જ થતું હોય છે. ઘરમાં દરેક વ્યક્તિ હસતું હોય તો વાતાવરણ પોઝીટીવ રહે છે અને ઘરમાં કલેશ થવાની સંભાવના ઓછી રહે છે. હસવાથી મગજમાં ડોપામાઈન નામનું હોર્મોન રીલીઝ થાય છે. જેનાથી માણસને માનસિક શાંતિ મળે છે અને હાર્ટ અટેક, ડાયાબિટિસ, ઈન્ફેક્શન સહિત અનેક બીમારીઓ થવાનો ખતરો ઘટી જાય છે. સ્માઈલ એ દરેક બીમારીની દવા છે જેનાથી આખા શરીરની માંસપેશીઓ પ્રભાવિત થાય છે, જેનાથી લોકોની અંદર પોઝિટિવ થિન્કિંગ આવે છે આ માટે સદાય હસતું રહેવું જોઈએ.