મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તેરાપંથ જૈન સમુદાયના આચાર્ય મહાશ્રમણજી સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તેરાપંથ જૈન સમુદાયના આચાર્ય મહાશ્રમણજી સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ ખાતે ચાતુર્માસ વિતાવી રહેલા તેરાપંથ જૈન સમુદાયના ગુરૂદેવ આચાર્ય મહાશ્રમણ સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા. આચાર્ય મહાશ્રમણજી ૧૧૦ જૈન સાધ્વીઓ અને ૫૮ સાધુઓ મળી કુલ ૧૬૮ સાધુ સાધ્વીઓ સાથે તા.૧૫મી, જુલાઇથી તા.૧૫મી નવેમ્બર સુધી ચાતુર્માસ માટે અહીં રોકાયા છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ સુરતમાં આચાર્યશ્રી સાથે મુલાકાત કરી તેમના ખબરઅંતર પૂછયા હતા. આચાર્ય મહાશ્રમણજીએ પણ મુખ્યમંત્રીશ્રીના શુભત્વની કામના કરી આશીર્વાદ આપ્યા હતા. તેરાપંથ જૈન સમુદાય ચાતુર્માસ સમિતિએ મુખ્યમંત્રીશ્રીને તેમના અભિનંદન-આભાર પ્રગટ કરતી સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. મહાશ્રમણજીએ મુખ્યમંત્રીશ્રીની મુલાકાત બાદ યુવાઓને વ્યસનમુક્તિ અંગે શપથ પણ લેવડાવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાએ પણ આચાર્ય મહાશ્રમણના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે મ્યુ.કમિશનર સુશ્રી શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધી, જિ.વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, ભગવાન મહાવીર યુનિ.ના પ્રેસિડેન્ટ ડૉ. સંજય જૈન, વાઇસ ચાન્સેલર ડૉ.મનોજ સિંહ, રજિસ્ટ્રાર ડૉ.વિજય મોટાવાલા, તેરાપંથ ચાતુર્માસ સમિતિના અધ્યક્ષ સંજય સુરાના, મહામંત્રી નાનાલાલ રાઠોડ, ઉપાધ્યક્ષ અંકેશ શાહ, તેરાપંથ યુવા પરિષદના અધ્યક્ષ અભિનંદન ગાદિયા, અગ્રણી અનુરાગભાઇ, વહીવટીતંત્રના અધિકારીઓ, જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.