સુરત શહેર-જિલ્લામાં તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાશે

સુરત શહેર-જિલ્લામાં તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાશે
‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી
વિકાસ રથ ગામડાઓમાં ફરી સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરીને લાભોનું વિતરણ કરશે
પ્રથમ દિને તા.૭મીએ ઉમરપાડા તાલુકાના નસારપુર, કેવડી તથા વડપાડામાં વિકાસરથ ફરશે
ગુજરાતની બહુવિધ વિકાસયાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા જન-જન સુધી ઉજાગર કરવા રાજય સરકાર દ્વારા તા.૭ થી ૧૫ ઓક્ટો. સુધી સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉમંગભેર ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ઉજવણીના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી.
જિલ્લા કલેકટરે કહ્યું હતું કે, વિકાસ સપ્તાહ દરમિયાન સંબધિત વિભાગોએ તેમના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટેની તકેદારી લેવા ઉપરાંત વિકાસરથ જે ગામમાં પહોચે ત્યાં ઉત્સાહભેર સ્વાગત થાય તેમજ ગામના જરૂરિયાતમંદોને યોજનાઓના લાભોનું વિતરણ સુનિશ્ચિત કરવાનો અનુરોધ કર્યો હતો.
સપ્તાહના પ્રત્યેક દિવસની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવશે. પ્રથમ દિવસે તા.૭મીના રોજ યુવા સશકિતકરણ દિવસ, તા.૮મીએ રોજગાર દિવસ, તા.૯મીએ પોષણ દિવસ, તા.૧૦મીએ ઉદ્યોગ સાહસિકતા દિવસ, તા.૧૧મીએ પંચાયત વિભાગ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું સન્માન, ગ્રામ પંચાયતના ઘરનું સામૂહિક ખાતમુહૂર્ત, તા.૧૨ અને તા.૧૩મીના રોજ શહેરી વિકાસ તરીકે મહાનગરપાલિકા દ્વારા ઉજવણી, તા.૧૪મીએ પ્રાકૃતિક દિવસ ઉજવણી અને તા.૧૫મીએ શહેરી વિસ્તારમાં લોકાર્પણ/ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે.
વિકાસ સપ્તાહ દરમિયાન પંચાયત વિભાગ દ્વારા વિકાસના લાભો જનજન સુધી પહોચાડવા માટે વિકાસરથ તાલુકાદીઠ ત્રણ ગામોમાં ફરશે. તા.૭ થી ૧૫મી ઓક્ટો. દરમિયાન દૈનિક ત્રણ ગામોમાં વિકાસરથલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં પ્રથમ ગામે સવારના ૧૦:૦૦ વાગે, બીજા ગામે બપોરના ૩:૦૦ વાગે તથા ત્રીજા ગામે રાત્રિના ૮:૦૦ વાગે યોજાશે. પ્રથમ દિને તા.૭મીએ ઉમરપાડા તાલુકાના નસારપુર, કેવડી તથા વડપાડામાં વિકાસરથ ફરશે. રાત્રિના કાર્યક્રમમાં ગ્રામસભા કરવામાં આવશે. આ ગ્રામસભામાં સ્થાનિક પદાધિકારીઓ, પ્રભારી મંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે.