સાધલી–કાયાવરોહણ રોડનું નવનિર્માણ બન્યું જનતાનો દુઃસ્વપ્ન

સાધલી–કાયાવરોહણ રોડનું નવનિર્માણ બન્યું જનતાનો દુઃસ્વપ્ન
57 કરોડના રોડ પર કાદવ-કિચડથી વાહનવ્યવહાર બંધ

સાધલીથી કાયાવરોહણ જતા નવા સ્ટેટ હાઈવેનું કામ તંત્રના આગોતરા આયોજનના અભાવે અર્ધવટું રહી જતા આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. પરિણામે આસપાસના ગ્રામ્ય વિસ્તારોની જનતાને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
આ માર્ગને 7 મીટરથી વધારી 10 મીટર પહોળો બનાવવા માટે ₹57 કરોડના ખર્ચે યોજાયેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષય પટેલ અને ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા પ્રથમ નવરાત્રીના દિવસે કરવામાં આવ્યું હતું. પરંતુ કામ શરૂ થતાની સાથે જ સાધલી, ટીંબરવા અને લિંગસ્થળી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર અને તંત્ર વચ્ચે વિવાદો ઊભા થયા હતા.
કોન્ટ્રાક્ટર દ્વારા હયાત રોડ ખોદીને તેનો રફ માલ સાઇડમાં નાખવામાં આવ્યો હતો, જ્યારે નિયમ મુજબ રોડની સપાટી ખોદીને મેટલ અને કપચા નાખી સમારકામ કરવાનું હતું. સાઇટ પર કોઈ જવાબદાર અધિકારી ન દેખાતા મજૂરોના ભરોસે કામ ચાલુ હતું. હવે કમોસમી વરસાદે માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરના ખામીઓ બહાર પાડી દીધી છે — 9 કિ.મી.ના માર્ગ પર કાદવ-કિચડથી વાહનવ્યવહાર ઠપ છે અને મુસાફરોને 35 કિ.મી.નો વધારાનો ફેરાવો કરવો પડે છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને માર્ગ મકાન તંત્રએ કોઈ ડાયવર્ઝન રૂટ બનાવ્યો નથી, ન તો સાઇટ પર કોઈ માહિતી બોર્ડ મૂકવામાં આવ્યો છે. અગાઉ પણ નારેશ્વર–પાલેજ અને કાયાવરોહણ–ધનયાવી રોડ ખાડાઓથી ભરાઈ ગયા હતા, જેનાથી સરકારના કરોડો રૂપિયાનો વ્યય બિનફળ સાબિત થયો હતો.
હવે લોકો માગણી કરી રહ્યા છે કે સંબંધિત ધારાસભ્યો તથા તંત્રના અધિકારીઓ આ માર્ગનું કામ ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તેની દેખરેખ રાખે.



